News of Friday, 8th August 2025
ગુજરાતના કરોડો રૂપિયાના મનરેગા કૌભાંડનો મુદ્દો સંસદમાં ગાજ્યો: શક્તિસિંહ ગોહિલે સચોટ પુરાવા રજૂ કરી તપાસની કરી માંગ
મનરેગાના કામોમાં નકલી બિલ બનાવવાથી માંડીને કામ કર્યા વગર જ નાણાં ઉપાડી લેવા જેવી ગેરરીતિઓ સર્જાઈ છે: મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પૂરી પાડવાન

નવી દિલ્હી: ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ તથા ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી શક્તિસિંહ ગોહિલે આજે સંસદમાં ગુજરાતમાં થયેલા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સચોટ પુરાવા રજૂ કરીને ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા અને આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરી હતી.
સંસદમાં ઉઠાવેલા મુદ્દાની વિસ્તૃત માહિતી
સંસદમાં બોલતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પૂરી પાડવાનો છે, પરંતુ ગુજરાતમાં તેનું ગેરકાયદેસર અને ખોટી રીતે અમલીકરણ થઈ રહ્યું છે.
તેમણે આક્ષેપ કર્યો કે મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેમાં નકલી બિલ બનાવવાથી માંડીને કામ કર્યા વગર જ નાણાં ઉપાડી લેવા જેવી ગેરરીતિઓનો સમાવેશ થાય છે.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી ગોહિલે વધુમાં જણાવ્યું કે, "મનરેગા હેઠળ શ્રમિકોને ચૂકવવામાં આવતી મજૂરી અને સરકારી કોન્ટ્રાક્ટમાં પણ મોટા પાયે ગોટાળા ચાલી રહ્યા છે. સરકાર સૌથી ઓછી બોલી લગાવનારને કોન્ટ્રાક્ટ આપવાને બદલે લાંચના આધારે કામ આપી રહી છે, જેના કારણે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે."
તેમણે આ મામલે સરકાર પાસે જવાબ માંગતા કહ્યું કે, "આવા ભ્રષ્ટાચારથી ગરીબ શ્રમિકોના હક છીનવાઈ રહ્યા છે. આ મામલે નિષ્પક્ષ અને તાત્કાલિક તપાસ થવી જોઈએ."
શક્તિસિંહ ગોહિલે આ મુદ્દાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ ઉઠાવ્યો હતો. તેમના આ નિવેદનો અને પુરાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને લોકો આ મામલે સરકાર પાસે સ્પષ્ટતા માંગી રહ્યા છે. ગોહિલે આ અહેવાલો શેર કરતા ગુજરાતમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની માંગણી કરી છે.
શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત છે. તેઓ સંસદમાં ગુજરાતને લગતા મુદ્દાઓ અને જનતાના પ્રશ્નોને નિયમિતપણે રજૂ કરતા રહે છે. તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા આ મનરેગા કૌભાંડના મુદ્દા પર સરકાર શું પગલાં લે છે તે જોવું રહ્યું.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
