<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

૧૦૦,૦૦૦ મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ જોવામાં ૨૭૩ વર્ષ લાગશે : ચૂંટણી પંચે રાહુલ ગાંધીને રસપ્રદ જવાબ આપ્યો

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પાસેથી ડિજિટલ મતદાર યાદી અને સીસીટીવી ફૂટેજની માંગણી કરી હતી : રાહુલ ગાંધી સતત ચૂંટણીપંચ પર આકરા પ્રહારો કરી રહ્યા છે

નવી દિલ્હી. ચૂંટણી પંચ (EC) એ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની માંગણીનો ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો છે, જેમાં તેમણે સમગ્ર દેશની મતદાર યાદી ડિજિટલ ફોર્મેટમાં અને સીસીટીવી ફૂટેજ પ્રદાન કરવાની માંગ કરી હતી. પંચે કહ્યું હતું કે, "એક લાખ મતદાન મથકોના સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરવા અથવા જોવામાં એક લાખ દિવસ એટલે કે ૨૭૩ વર્ષ લાગશે, જેનો કોઈ કાનૂની પરિણામ નથી... જો કોઈ ઉમેદવાર ચૂંટણી વિરુદ્ધ અરજી દાખલ કરે છે, તો સીસીટીવી ફૂટેજ રાખવામાં આવે છે, નહીં તો તેને રાખવાનો કોઈ અર્થ નથી.

હકીકતમાં, રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે મતદાન મથકોના સીસીટીવી અને વિડિઓ પુરાવા ભૂંસી નાખવામાં આવી રહ્યા છે. તેમણે પૂછ્યું, "વિપક્ષને ડિજિટલ મતદાર યાદી કેમ નથી મળી રહી? સીસીટીવી અને વિડીયો પુરાવા ભૂંસી નાખવામાં આવી રહ્યા છે, શા માટે અને કોના આદેશ પર આ થઈ રહ્યું છે? મતદાર યાદીમાં નકલી મતદાન અને હેરાફેરી શા માટે કરવામાં આવી? વિપક્ષી નેતાઓને શા માટે ડરાવવામાં આવી રહ્યા છે અને ધમકાવવામાં આવી રહ્યા છે? મને સ્પષ્ટ કહો, શું ચૂંટણી પંચ હવે ભાજપનું એજન્ટ બની ગયું છે?"

તેમણે દાવો કર્યો હતો કે જો ઇલેક્ટ્રોનિક ડેટા મળી આવે છે, તો તેઓ સાબિત કરશે કે વડાપ્રધાન મત ચોરીને આ પદ પર આવ્યા છે. રાહુલ ગાંધીએ પુનરોચ્ચાર કર્યો કે નરેન્દ્ર મોદી આજે ફક્ત 25 બેઠકોના કારણે વડા પ્રધાન પદ પર છે. કોંગ્રેસના નેતાએ કહ્યું, "લોકસભા ચૂંટણી પછી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં અમારા ગઠબંધનનો વિજય થયો પરંતુ છ મહિના પછી આશ્ચર્યજનક પરિણામો આવ્યા." તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં માત્ર પાંચ મહિનામાં એક કરોડ નવા મતદારોએ મતદાન કર્યું અને તે બધાએ ભાજપને મત આપ્યો.

કોંગ્રેસના નેતાએ કહ્યું કે જ્યારે ચૂંટણી પંચ પાસેથી ડિજિટલ મતદાર યાદી અને મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ માંગવામાં આવ્યા ત્યારે તેણે ના પાડી દીધી. તેમણે કહ્યું કે આ પછી, બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા બેઠકના મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીનો અભ્યાસ કરવામાં આવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું, 'લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં ભાજપે મતોની ચોરી કરી હોવાનું સાબિત થયું છે.' તેમણે દાવો કર્યો હતો કે મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારના વિશ્લેષણથી સ્પષ્ટ થયું છે કે દર છમાંથી એક મતની ચોરી થઈ છે.

(12:26 AM IST)