<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

હાઈકોર્ટે મહિલાને ગણાવી 'આદર્શ ભારતીય નારી', પતિએ ૨૦ વર્ષથી છોડી દીધી છતાં સાસુ-સસરાની સેવા કરતી રહી

મધ્‍ય પ્રદેશ હાઈકોર્ટમાંથી છૂટાછેડાનો એક વિચિત્ર કેસ સામે આવ્‍યો હતો. જેમાં પતિ-પત્‍નીના ઝઘડા છતાં પત્‍ની ૨૦ વર્ષથી અલગ રહી અને સાસુ-સસરાની સેવા કરતી રહી હતી

 

ભોપાલ તા.૯: મધ્‍ય પ્રદેશ હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ વિવેક રુસિયા અને ન્‍યાયમૂર્તિ બિનોદ કુમાર દ્વિવેદીની ખંડપીઠે એક પતિની અપીલ સાંભળી હતી. જેમાં તેમણે નીચલી અદાલતના છૂટાછેડાથી ઇનકાર કરવાના આદેશને પડકાર આપ્‍યો હતો. પતિ-પત્‍નીના લગ્ન ગામ પિપલાડા, ઇન્‍દોરમાં થયા હતા અને ૨૦૦૨માં દીકરાનો જન્‍મ થયો હતો.

પતિનો આરોપ હતો કે પત્‍ની તેને પસંદ નથી કરતી, તેના પર દારૂ પીવા અને અન્‍ય મહિલાઓ સાથે સંબંધ હોવાના આરોપ લગાવતી, ગર્ભાવસ્‍થામાં ખુશ નહોતી અને બાળકના જન્‍મ બાદ પિયરમાં જતી રહી. પત્‍નીએ આ આરોપોને ખોટા ગણાવ્‍યા અને કહ્યું કે, પતિને એક મહિલા સહકર્મી સાથે પ્રેમ સંબંધ હતો. જ્‍યારે તે હંમેશા વૈવાહિક દાયિત્‍વ નિભાવવા માટે તૈયાર રહી.

કોર્ટે જાણ્‍યું કે, પતિ દૂર થયા બાદ પણ પત્‍ની સાસરિયામાં સાસુ-સસરા અને દિયર-નણંદ સાથે સંયુક્‍ત પરિવારમાં રહી. તેણે ક્‍યારેય ઘર છોડ્‍યું નહીં. પતિ કે તેના પરિવાર વિરુદ્ધ કોઈ ગુનાહિત કેસ નોંધ્‍યો નહીં. આ મહિલાએ પોતાના વિવાહના પ્રતીક મંગળસૂત્ર અને સિદૂરનો પણ ત્‍યાગ કર્યો નહીં અને પોતાનું કર્તવ્‍ય નિભાવતી રહી.

કોર્ટે કહ્યું કે આ પત્‍ની આદર્શ ભારતીય નારીના ગુણોનું પ્રતીક છે. જે વિપરીત પરિસ્‍થિતિમાં પણ ધૈર્ય, મર્યાદા અને સંસ્‍કાર જાળવી રાખ્‍યા. કોર્ટે છૂટાછેડાની અરજી રદ કરતા પતિને પોતાના ઉપેક્ષિત અને અનાદરપૂર્ણ વ્‍યવહારથી લાભ લેતા રોક્‍યો હતો.(૩૮.૧૪)

(9:57 AM IST)