<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th August 2025

બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હા પર બે વોટર કાર્ડ રાખવાનો તેજસ્વી યાદવના આરોપ: ચૂંટણી પંચે નોટિસ ફટકારી

બાંકીપુરના નિર્વાચન અધિકારીએ તેમને આ મામલે જવાબ રજૂ કરવા માટે 14 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હા મુશ્કેલીમાં મુકાયા છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે તેમના પર બે અલગ-અલગ વોટર આઈડી કાર્ડ રાખવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ આરોપો બાદ ચૂંટણી પંચે વિજય સિન્હાને નોટિસ પાઠવી છે. બાંકીપુરના નિર્વાચન અધિકારીએ તેમને આ મામલે જવાબ રજૂ કરવા માટે 14 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. આ મામલો બિહારના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

    તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો છે કે, વિજય સિન્હાનું નામ બે અલગ-અલગ વિધાનસભા ક્ષેત્રોની મતદાર યાદીમાં છે. તેમનું નામ લખીસરાય અને પટના જિલ્લાના બાંકીપુર વિધાનસભા ક્ષેત્ર બંનેની મતદાર યાદીમાં નોંધાયેલું છે. યાદવે સવાલ ઉઠાવ્યો છે કે, "જ્યારે ચૂંટણી પંચ દ્વારા વિશેષ પુનરીક્ષણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, ત્યારે આ ભૂલ કેવી રીતે થઇ? આ માટે કોણ જવાબદાર છે? શું વિજય સિન્હા પોતાના પદ પરથી રાજીનામું આપશે?" 

આ આરોપોના જવાબમાં વિજય સિન્હાએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, "અગાઉ મારું અને મારા પરિવારનું નામ બાંકીપુર વિધાનસભા ક્ષેત્રમાં હતું. એપ્રિલ 2004 માં મેં લખીસરાયથી નામ જોડાવવા માટે અરજી કરી હતી એ સાથે જ બાંકીપુરથી નામ હટાવવા માટે પણ ફોર્મ ભર્યું હતું. મારી પાસે તેના પુરાવા છે. કોઈ કારણસર બાંકીપુરથી મારું નામ હટાવવામાં આવ્યું નહોતું. મેં તાત્કાલિક બૂથ લેવલ ઓફિસરનો સંપર્ક કરીને આ મામલે લેખિત અરજી આપી છે." સિન્હાએ કહ્યું કે, તેઓ ચૂંટણી પંચને તમામ જરૂરી પુરાવા રજૂ કરશે.  

(9:30 PM IST)