<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

બે સુપરફાસ્‍ટ ટ્રેનોને લોહીયાળ કર્યો ટ્રેક! ચારસો ઘેટાંના કરુણ મોત

ચારસોથી વધુ ઘેટાં મૃત્‍યુ પામ્‍યા હોઈ ૧૮-૨૦ લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે

 

પટણા,તા.૧૧: બિહારમાંથી એક દર્દનાક અકસ્‍માતના સમાચાર મળી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર પંડિત દિનદયાળ ઉપાધ્‍યાય પટના રેલ ખંડના સીકરિયા-બ્‍નાહી સ્‍ટેશન પાસે મોટો અકસ્‍માત થયો. અહીં બે ટ્રેનોએ ઘેટાંના ટોળાને કચડી નાખ્‍યું હતું. આશરે ચારસો જેટલાં ઘેટાં મોતને ભેટ્‍યાં છે. આ ઘેટાંના ટોળા પર શિયાળ અને કૂતરાઓએ હુમલો કર્યો હતો. તેઓના હુમલાથી બચવા માટે ઘેટાં અચાનકથી રેલવે ટ્રેક ક્રોસ કરવા લાગ્‍યા હતા તે દરમિયાન ટ્રેક પર આવી રહેલી પુરપાટ ટ્રેને આ તમામ ઘેટાંને કચડી નાખ્‍યા હતા.

રેલવે ટ્રેક નજીક બનેલી આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે. અનેક ઘેટાં મૃત હાલતમાં જોવા મળે છે. આખો રેલવે ટ્રેક પર રક્‍તથી ખરડાઈ ગયો હતો. કોઈ ગામવાસીએ જણાવ્‍યું હતું કે અહીં બે ગામ વચ્‍ચે રેલવે લાઇન છે. ત્‍યાં જ આ દુર્ઘટના બની છે. ચારસોથી વધુ ઘેટાં મૃત્‍યુ પામ્‍યા હોઈ ૧૮-૨૦ લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. અહીં રહેતો ભરવાડ સમુદાય ખાસ કરીને જંગલો, ઝાડીઓ અને ટેકરીયાળા વિસ્‍તારમાં રહેતા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્‍થળે પહોંચ્‍યો હતો તેમણે આ ઘટનાની તપાસના આદેશ પણ આપ્‍યા હતા. અકસ્‍માતને પગલે આ રૂટ પર ટ્રેન સેવાઓ સ્‍થગિત કરવામાં આવી છે. બાદમાં ઘેટાંના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્‍યા હતા અને કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ઘેટાંનો ઉછેર કરનાર ભરવાડ કોમના લોકો જણાવે છે કે શુક્રવારે સાંજે બાંકટ (બિહાર) ગામ પાસે અમે અમારા ઘેટાં એક તરફ મુકીને બાજુમાં આરામ કરવા માટે ગયા હતા. પરંતુ શનિવારે સવારે જ્‍યારે અમે જાગ્‍યા ત્‍યારે અમને અમારું એક પણ ઘેટું દેખાયું નહીં. તપાસ દરમિયાન ઘેટાંના મૃતદેહો રેલવે ટ્રેક પર મળી આવ્‍યા હતા.(૪૦.૫)

(9:23 AM IST)