તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત વિશ્વાસુ, અને ભારતને સબક શીખડાવવાનું કહેનાર રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ કોણ છે?
જરૂર પડે ત્યારે ગમે ત્યારે હાજર રહેનાર આ વ્યક્તિ મારો સાચો મિત્ર છેઃ ટ્રમ્પે લિન્ડસેની જાહેરમાં ભરપેટ પ્રશંસા કરી : ભારતને સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપતા તેમણે કહ્યું હતું કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે, તો અમેરિકા ભારતની અર્થવ્યવસ્થાના ભુક્કો બોલાવી દેશે!

વોશીંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક સભા દરમિયાન રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામની જાહેરમાં પ્રશંસા કરવામાં આવી. આ ઘટના બાદ ગ્રેહામ ફરીથી ચર્ચામાં આવ્યા છે. ગ્રેહામ ટ્રમ્પના સૌથી નજીકના નેતાઓમાંના એક છે અને તેઓ વારંવાર વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે. આ પહેલા તેમણે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ આર્થિક પ્રતિબંધોની ધમકી પણ આપી હતી.
લિન્ડસે ગ્રેહામ રાજકીય કારકિર્દી અને ઓળખ લિન્ડસે ગ્રેહામ દક્ષિણ કેરોલિના રાજ્યના એક વરિષ્ઠ રિપબ્લિકન સેનેટર છે. તેમનો જન્મ ૯ જુલાઈ, ૧૯૫૫ના રોજ થયો હતો. તેઓ ૭૦ વર્ષના છે. રાજકારણમાં આવતા પહેલા, તેઓ અમેરિકાની વાયુસેનામાં અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે. ગ્રેહામ એક કુશળ વકીલ અને રાજકારણી તરીકે પણ જાણીતા છે. તેઓ ખાસ કરીને તેમની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધી મુદ્દાઓ પર સ્પષ્ટ અને કડક વલણ માટે પ્રખ્યાત છે. તેઓ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના અને વિશ્વાસુ સાથીઓમાંના એક ગણાય છે.
તાજેતરમાં દક્ષિણ કેરોલિનામાં એક રિ-ઇલેક્શન (પુનઃચૂંટણી) સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને સંબોધિત કરતી વખતે સેનેટર ગ્રેહામને અચાનક ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો. ગ્રેહામે ફોન સ્પીકર પર મૂકતા, ટ્રમ્પે તેમની જાહેરમાં પ્રશંસા કરી અને કહ્યું કે, જરૂર પડે ત્યારે ગમે ત્યારે હાજર રહેનાર આ વ્યક્તિ મારો સાચો મિત્ર છે.
લિન્ડસે ગ્રેહામ રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષ પર અમેરિકાના કડક વલણના સમર્થક છે. તેમણે ભૂતકાળમાં ભારતને સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે, તો અમેરિકા ભારતની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દેશે. આ ધમકી તેમણે એ સમયે આપી હતી, જ્યારે ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ (જકાત) લગાવવાની યોજના પર કામ કરી રહ્યા હતા. ગ્રેહામનું માનવું છે કે રશિયા પર આર્થિક દબાણ લાવવાથી યુક્રેનમાં શાંતિ સ્થાપી શકાશે.
લિન્ડસે ગ્રેહામ અપરિણીત છે અને તેમણે તેમના જીવનને રાજકારણ માટે સમર્પિત કર્યું છે. તેઓ ૧૯૮૨માં અમેરિકી વાયુસેનામાં જોડાયા હતા અને ૧૯૯૫ સુધી સક્રિય સેવા આપી. ત્યારબાદ તેઓ ૨૦૧૫માં નિવૃત્ત થતા પહેલાં રિઝર્વ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા હતા. સૈન્ય સેવા દરમિયાન, તેમણે વકીલ તરીકે પણ કામ કર્યું હતું, જેમાં તેઓ વાયુસેનાના સૈનિકોને કાનૂની સહાય આપતા હતા.
ગ્રેહામની આ રાજકીય કારકિર્દી અને ટ્રમ્પ સાથેના તેમના ગાઢ સંબંધો તેમને અમેરિકી રાજકારણમાં એક પ્રભાવશાળી વ્યક્તિ તરીકે છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
