તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
SIR મામલે વિપક્ષ આક્રમક : કુચ : ચૂંટણી પંચ સાથે મુલાકાત
SIR મામલે લડાઇ હવે સંસદથી નીકળી સડક પર પહોંચી : વિપક્ષના ૩૦૦ સાંસદોનું શકિત પ્રદર્શન : સંસદથી ચૂંટણી પંચ સુધીની માર્ચનું આયોજન : પોલીસ કહે છે માર્ચની પરવાનગી નથી લેવાઇ : વિવાદના એંધાણ

નવી દિલ્હી, તા.૧૧: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતળત્વમાં ઈન્ડિયા બ્લોક સાંસદો સોમવારે રાજધાનીમાં શક્તિ પ્રદર્શન કરશે. બિહારમાં મતદાર યાદીમાં અનિયમિતતા અને ચૂંટણીમાં ‘કથિત હેરાફેરી' સામે ૩૦૦ લોકસભા અને રાજ્યસભા સાંસદો સંસદ ભવનથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી પગપાળા કૂચ કરશે. આમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી અને અન્ય ઘણા સાંસદો શામેલ હશે. કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોના નેતાઓ આજે ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર સાથે ચર્ચા કરશે. ચૂંટણી પંચે જયરામ રમેશ અને અન્ય નેતાઓને બપોરે ૧૨ વાગ્યે ચર્ચા માટે બોલાવ્યા છે. આમાં ફક્ત ૩૦ રાજકારણીઓને જ મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આજે SIR મુદ્દે સંસદ પરિસરથી કમિશન સુધી વિપક્ષની કૂચ છે. આ વિરોધ કૂચ બપોરે ૧૧.૩૦ વાગ્યે શરૂ થવાની છે. તે જ સમયે, એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચના અધિકારીઓને પણ મળશે.
કમિશન તરફથી સમય મળ્યો પણ પોલીસ તરફથી પરવાનગી મળી નથી
રાહુલ ગાંધી અને વિપક્ષી સાંસદોએ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દ્વારા ‘મત ચોરી'નો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષને આ કૂચ માટે પોલીસ તરફથી પરવાનગી મળી નથી. કોઈ વિપક્ષી નેતા કે પક્ષે પોલીસ પાસેથી પરવાનગી (NOD) માંગી નથી.
વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર અને બંને ચૂંટણી કમિશનરોને મળવા માટે સમય માંગ્યો હતો, જેના પર ચૂંટણી પંચે સોમવારે બપોરે ૧૨ વાગ્યે બેઠક માટે સમય આપ્યો છે. ચૂંટણી પંચે પ્રતિનિધિમંડળમાં ફક્ત ૩૦ લોકોને સામેલ કરવાની વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયા એલાયન્સ વતી કોંગ્રેસના નેતા જયરામ રમેશે ત્રણ ચૂંટણી કમિશનરોને મળવા માટે સમય માંગ્યો હતો.
આજે સાંજે બીજી ‘ડિનર' બેઠક
સોમવારે જ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ‘ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા)' ના ઘટક પક્ષોના સાંસદો માટે ‘ડિનર'નું પણ આયોજન કર્યું છે. પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ ‘ડિનર' દિલ્હીના ચાણકયપુરીમાં તાજ પેલેસ હોટેલમાં યોજાશે, જેમાં ‘ઈન્ડિયા' બ્લોકના તમામ સાંસદો હાજરી આપે તેવી શકયતા છે. આ બીજી વખત છે જ્યારે કોંગ્રેસે આ મુદ્દા પર ‘ડિનર મીટિંગ'નું આયોજન કર્યું છે.
આ પહેલા, ‘ઈન્ડિયા' બ્લોકના નેતાઓ રાહુલ ગાંધીના નિવાસસ્થાને ભેગા થયા હતા. આ બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP) ના વડા શરદ પવાર, નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લા, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના મહેબૂબા મુફ્તી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના તેજસ્વી યાદવ, તળણમૂલ કોંગ્રેસના અભિષેક બેનર્જી, શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરે, DMK ના તિરુચી શિવ સહિત ૨૫ પક્ષોના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણી પછી તરત જ જૂન ૨૦૨૪ માં ખડગેના નિવાસસ્થાને યોજાયેલી બેઠક પછી વિપક્ષી છાવણીના ટોચના નેતાઓની આ પહેલી બેઠક હતી.
રાહુલ ગાંધીના ચૂંટણી ગોટાળાના દાવાઓ પર કડક વલણ અપનાવતા, કોંગ્રેસે રવિવારે લોકો માટે એક વેબ પોર્ટલ પણ લોન્ચ કર્યું. કોંગ્રેસે કહ્યું છે કે તેના પર નોંધણી કરીને, કથિત ‘મત ચોરી' સામે ચૂંટણી પંચ પાસેથી જવાબદારી માંગી શકાય છે. ઉપરાંત, તમે ડિજિટલ મતદાર યાદીની માંગણીને સમર્થન વ્યક્ત કરી શકો છો. રાહુલ ગાંધીએ સંબંધિત વેબલિંક પર નોંધણી કરાવીને લોકોને આ માંગણીને સમર્થન આપવાની અપીલ કરી છે. તેમણે એક X પોસ્ટમાં કહ્યું, મત ચોરી એ ‘એક વ્યક્તિ, એક મત' ના મૂળભૂત લોકશાહી સિદ્ધાંત પર હુમલો છે. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે સ્વચ્છ મતદાર યાદી જરૂરી છે. ચૂંટણી પંચ પાસેથી અમારી માંગ સ્પષ્ટ છે - પારદર્શિતા બતાવો અને ડિજિટલ મતદાર યાદીને જાહેર કરો, જેથી જનતા અને રાજકીય પક્ષો પોતે તેનું ‘ઓડિટ' કરી શકે.(૨૩.૧૦)
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
