<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

આવક વધારવા મહારાષ્‍ટ્ર સરકારે અનાજમાંથી દારૂ બનાવવાની છૂટ આપી

૩૦૦ કરોડ રૂપિયાની વધારાની આવક થવાની શકયતા

મુંબઇ તા.૧૧: અનેક સહાયકારી યોજનાઓ ચાલી રહી હોવાથી રાજ્‍યની આવક વધારવા મહારાષ્‍ટ્ર સરકારે અનાજમાંથી દારૂ તૈયાર કરવાની છૂટ આપી છે. એ સાથે જ જે પોટેબલ એટલે કે પીવાયોગ્‍ય લિકર લાઇસન્‍સ બંધ કરી દેવાયાં હતાં કે પછી ઓછાં વપરાતાં હતાં એને ફુલ કૅપેસિટીમાં ફરી શરૂ કરવાનું નક્કી કર્યું છે. મંગળવારે સરકારે એ માટેના આદેશ આપ્‍યા હતા. રાજ્‍યને એનાથી ૩૦૦૦ કરોડ રૂપિયાની વધારાની આવક થવાની શકયતા છે. એ આદેશમાં ઇન્‍ડિયન મેડ ફૉરેન લિકર (વિદેશી બ્રેન્‍ડનો ભારતમાં તૈયાર કરાયેલો દારૂ), ઇન્‍ડિયન મેડ લિકર (ભારતમાં બનાવાયેલો દારૂ)ની બાજુમાં નવી કેટેગરી મહારાષ્‍ટ્ર મેડ લિકર (મહારાષ્‍ટ્રમાં તૈયાર કરાયેલો દારૂ) ઉમેરવામાં આવી છે.

મહારાષ્‍ટ્ર મેડ લિકર માટેનો પ્રસ્‍તાવ રાજ્‍યના એડિશનલ ચીફ સેક્રેટરી વલસા નાયરના અધ્‍યક્ષપદ હેઠળની કમિટીએ એના રિપોર્ટમાં રજૂ કર્યો હતો. એ રિપોર્ટ એપ્રિલમાં સબમિટ કરવામાં આવ્‍યો હતો અને ત્‍યાર બાદ ૧૦ જૂને પ્રધાનમંડળમાં એને મંજૂર કરવામાં આવ્‍યો હતો.

અનાજમાંથી તૈયાર કરાયેલા મહારાષ્‍ટ્ર મેડ લિકરના ૧૮૦ મિલીલીટર (૧૮૦ એમએલ) માટે ૧૪૮ રૂપિયા ચાર્જ કરવામાં આવશે જેમાં ૪૨.૮ ટકા આલ્‍કોહોલ હશે. આ બ્રૅન્‍ડ બીજા કોઈ પણ રાજ્‍યમાં કે પછી લિકરની બીજી કૅટેગરી જેવી કે કન્‍ટ્રી લિકર, ઇન્‍ડિયન મેડ લિકર, બિઅર, વાઇન હેઠળ બનાવી શકાશે નહીં. વળી પોટેબલ લિકર લાઇસન્‍સ ધરાવતી કંપનીની મહારાષ્‍ટ્ર મેડ લિકર માટેની હેડ ઑફિસ મહારાષ્‍ટ્રમાં જ રાખવી પડશે એમ પણ આદેશમાં જણાવવામાં આવ્‍યું છે.

પોટેબલ લિકર લાઇસન્‍સના રાજ્‍યમાં ૭૦ યુનિટ છે જેમાંથી બાવીસ બંધ છે અને ૧૬ ફક્‍ત રીટેલિંગ જ કરે છે. બચેલા ૩૨માંથી ૧૦ યુનિટ મહારાષ્‍ટ્રમાં બનતો ૭૦ ટકા ઇન્‍ડિયન મેડ ફૉરેન લિકર બનાવે છે.

અનાજમાંથી દારૂ બનાવવાની પરવાનગી આપવામાં આવી હોય એવું આ પહેલી વાર નથી બન્‍યું. આ પહેલાં ૨૦૦૭માં કૉન્‍ગ્રેસ અને નૅશનલિસ્‍ટ કૉન્‍ગ્રેસ પાર્ટી (એનસીપી)ના ગઠબંધનવાળી સરકાર હતી ત્‍યારે પણ એ માટેના પ્રયાસ થયા હતા. જોકે ઍક્‍ટિવિસ્‍ટોએ કરેલા વિરોધ અને બૉમ્‍બે હાઈ કોર્ટે એના પર સ્‍ટે મૂકી દેતાં એ યોજના અભરાઈ પર ચડી ગઈ હતી.

(12:14 PM IST)