<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

પીએમયુવાયમાં સિલિન્‍ડરની સંખ્‍યા ૧૨થી ૯ કરી દેવાઈ

ઉજ્જવલા યોજના અંગે કેન્‍દ્ર સરકારનો મહત્‍વનો નિર્ણય : ૧૪.૨ કિલોગ્રામના સિલિન્‍ડર પર મળતી રૂ.૩૦૦ની સબસિડી ચાલુ

નવી દિલ્‍હી તા.૧૧: સરકારે બે મહત્ત્વના આર્થિક નિર્ણયો લીધા છે. પહેલો નિર્ણય એ છે કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસીએસ)ને એલપીજી સિલિન્‍ડર સબસિડીના કારણે થતા નુકસાનની ભરપાઈ હપ્તાઓમાં કરવામાં આવશે. બીજો નિર્ણય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયવાય) હેઠળ મળતા સિલિન્‍ડરોની સંખ્‍યા ૧૨ થી ઘટાડીને ૯ કરી દેવામાં આવી છે. જોકે, આ યોજના હેઠળ મળતી સબસિડીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્‍યો નથી.

કેબિનેટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને એલપીજી સિલિન્‍ડરના સબસિડીવાળા વેચાણથી થતા રૂ.૩૦,૦૦૦ કરોડના નુકસાનની ભરપાઈને મંજૂરી આપી છે. આ રકમ ૧૨ હપ્તાઓમાં ચૂકવવામાં આવશે, જેમાંથી પહેલો હપ્તો આ વર્ષે સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબરમાં મળવાની અપેક્ષા છે. આ નિર્ણયથી નાણાકીય વર્ષ ૨૦૨૬માં કંપનીઓને રૂ.૧૫,૦૦૦ કરોડ મળશે, અને બાકીની રકમ નાણાકીય વર્ષ ૨૦૨૭ના બજેટમાં ચૂકવવામાં આવશે. આ રીતે ભંડોળને બે નાણાકીય વર્ષમાં વહેંચી દેવાથી સરકાર પરનો રાજકોષીય બોજ એકસાથે વધશે નહીં. કેબિનેટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીવાળા સિલિન્‍ડરોની વાર્ષિક સંખ્‍યા ૧૨થી ઘટાડીને ૯ કરી છે. જોકે, ૧૪.૨ કિલોગ્રામના સિલિન્‍ડર પર મળતી રૂ.૩૦૦ની સબસિડી ચાલુ રહેશે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે આ યોજના માટે રૂ.૧૨,૦૬૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્‍યું છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) વિશે વાત કરીએ તો, આ યોજના ૨૦૧૬માં શરૂ થઈ હતી. તેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ગરીબી રેખા નીચે જીવતી ૫ કરોડ મહિલાઓને એલપીજી કનેક્‍શન આપવાનો હતો. આ યોજનાનો ફાયદો એ છે કે તે ઘરમાં સ્‍વચ્‍છ ઇંધણ લાવે છે, જેનાથી મહિલાઓના સ્‍વાસ્‍થ્‍ય અને સશક્‍તિકરણમાં મદદ મળે છે. સાથે જ, ગ્રામીણ યુવાનોને પણ રોજગારીની તકો મળે છે. આ યોજનાથી પરિવારોની એલપીજી વપરાશમાં પણ વધારો થયો છે. સરકારી આંકડા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૦માં સરેરાશ ત્રણ સિલિન્‍ડર વપરાતા હતા, જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં વધીને ૪.૪૭ થઈ ગયા છે.

(12:17 PM IST)