News of Monday, 11th August 2025
ઓનલાઈન શોપિંગના મામલે ભારત ટોપ ૨૫માં પણ નથી
અમેરિકા અને ચીન વચ્ચે કઠિન સ્પર્ધા : ભારતમાં રિટેલ ખર્ચમાં ઓનલાઈનનો હિસ્સો ફક્ત ૭% થી ૯% છે, જ્યારે અમેરિકામાં તે ૩૩.૭% છે અને ચીનમાં તે ૩૧.૨% છે

નવી દિલ્હી તા.૧૧: ભારતમાં ઓનલાઈન શોંપિગનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ અમેરિકા અને ચીન જેવા દેશોની તુલનામાં, ભારત હજુ પણ ઘણું પાછળ છે. એક અહેવાલ મુજબ, દેશમાં ૮૫ કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, પરંતુ તેમાંથી માત્ર ૨૦ થી ૨૫% લોકો ઓનલાઈન શોંપિગ કરે છે. અમેરિકા અને ચીનમાં, આ સંખ્યા ૮૫% થી વધુ છે. ભારતમાં રિટેલ ખર્ચમાં ઓનલાઈનનો હિસ્સો ફક્ત ૭% થી ૯% છે, જ્યારે અમેરિકામાં તે ૩૩.૭% છે અને ચીનમાં તે ૩૧.૨% છે. ભારત આ યાદીમાં ટોપ ૨૫ માં પણ નથી.
ડેટારિપોર્ટલના ડેટા અનુસાર, ઓનલાઈન શોપિગના સંદર્ભમાં અમેરિકા સૌથી આગળ છે. આ દેશમાં રિટેલ ખર્ચમાં ઓનલાઈનનો હિસ્સો ૩૩.૭% છે. ચીન બીજા નંબરે છે. આ દેશમાં કુલ રિટેલ ખર્ચમાં ઓનલાઈનનો હિસ્સો ૩૧.૨% છે. આ યાદીમાં, યુકે (૨૩.૨% ) ત્રીજા નંબરે, દક્ષિણ કોરિયા (૨૨.૦% ) ચોથા ક્રમે અને નેધરલેન્ડ (૨૦.૯%) પાંચમા ક્રમે છે. કેનેડા (૧૭.૯% ), જાપાન (૧૬.૨% ) ઇટાલી (૧૪.૯% ), જર્મની (૧૪.૬% ) અને નોર્વે (૧૪.૫%) પણ ટોચના ૧૦ માં સામેલ છે.
આયર્લેન્ડ, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, સ્પેન, ડેનમાર્ક, પોલેન્ડ, આર્જેન્ટિના, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, ચેક, સિગાપોર, થાઈલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને ચિલી પણ ભારત કરતા આગળ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતમાં ઓનલાઈન શોંપિગનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. પરંતુ દેશના કુલ રિટેલ વેચાણમાં ઈ-કોમર્સનો હિસ્સો હજુ પણ ૭ થી ૯% છે. મેકકિન્સે એન્ડ કંપનીના એક અહેવાલ મુજબ, ૨૦૩૦ સુધીમાં તે ૧૫ થી ૧૭% સુધી પહોંચવાનો અંદાજ છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
