<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

પીએફ ઉપાડ અંગે EPFO એ કેટલાક નિયમો અને શરતો નક્કી કર્યા : કોઈ વ્યક્તિ એક મહિનાથી બેરોજગાર હોય, તો તે તેની જમા રકમના 75 ટકા સુધી ઉપાડી શકે , કોઈ વ્યક્તિ 2 મહિના કે તેથી વધુ સમય માટે બેરોજગાર હોય તો તે તેની PF ખાતામાંથી સંપૂર્ણ રકમ ઉપાડી શકે

બાળકોના શિક્ષણ માટે EPF એડવાન્સ લઈ શકાય આ માટે ઓછામાં ઓછા 7 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ, સભ્ય તેમના વ્યાજ સહિતના પોતાના યોગદાનના 50 ટકા સુધી ઉપાડી શકે છે અને જીવનકાળમાં ફક્ત 3 વાર જ આ ઉપાડ કરી શકાય તેવો નિયમ

નવી દિલ્હી તા.૧૧: ભારતમાં નોકરી કરતા લોકો માટે પ્રોવિડન્ટ ફંડ (PF) એક મહત્વપૂર્ણ બચત યોજના છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવતી EPFO સંસ્થા દ્વારા PF ખાતાઓનું સંચાલન કરવામાં આવે છે. દર મહિને કર્મચારીના પગારમાંથી 12% અને કંપની દ્વારા તેટલું જ યોગદાન PF ખાતામાં જમા થાય છે, જેના પર સરકાર સારું વ્યાજ પણ આપે છે. ઘણીવાર એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે જ્યારે વ્યક્તિને તાત્કાલિક નાણાંની જરૂર પડે છે, ખાસ કરીને જ્યારે નોકરી ગુમાવે અને બેરોજગાર બને. આવા સમયે EPF માંથી કેટલા પૈસા ઉપાડી શકાય છે, તે જાણવું જરૂરી છે.

બેરોજગાર થવા પર પીએફ ઉપાડના નિયમો

EPFO એ આ માટે કેટલાક નિયમો અને શરતો નક્કી કર્યા છે. જો કોઈ વ્યક્તિ એક મહિનાથી બેરોજગાર હોય, તો તે તેની જમા રકમના 75 ટકા સુધી ઉપાડી શકે છે. જ્યારે, જો કોઈ વ્યક્તિ 2 મહિના કે તેથી વધુ સમય માટે બેરોજગાર હોય તો તે તેની PF ખાતામાંથી સંપૂર્ણ રકમ ઉપાડી શકે છે.

અન્ય જરૂરિયાતો માટે ઉપાડના નિયમો EPFO ના નિયમો અનુસાર અન્ય વિવિધ જરૂરિયાતો માટે પણ PF ના પૈસા ઉપાડી શકાય છે.

શિક્ષણ માટે

બાળકોના શિક્ષણ માટે EPF એડવાન્સ લઈ શકાય છે. આ માટે EPF માં ઓછામાં ઓછા 7 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. સભ્ય તેમના વ્યાજ સહિતના પોતાના યોગદાનના 50 ટકા સુધી ઉપાડી શકે છે અને જીવનકાળમાં ફક્ત 3 વાર જ આ ઉપાડ કરી શકાય છે.

ઘર ખરીદવા કે સમારકામ માટે

ઘર ખરીદવા કે બનાવવામાં, અથવા ઘરના સમારકામ કે સુધારા માટે પણ PF ના પૈસા ઉપાડી શકાય છે. ઘરના સમારકામ માટે ઘર પૂર્ણ થયાના પાંચ વર્ષ પછી પૈસા ઉપાડી શકાય છે. આ હેતુ માટે સભ્ય ફક્ત એક જ વાર ઉપાડ કરી શકે છે.

લગ્ન માટે

પોતાના ભાઈ-બહેન કે બાળકોના લગ્ન માટે પણ PF માંથી પૈસા ઉપાડી શકાય છે. આ માટે ઓછામાં ઓછા 7 વર્ષ સુધી EPF ના સભ્ય હોવું અને ખાતામાં ઓછામાં ઓછા 1,000 રૂપિયા હોવા જરૂરી છે. વ્યાજ સહિતના પોતાના યોગદાનના 50 ટકા સુધી ઉપાડી શકાય છે.

તબીબી જરૂરિયાતો માટે

તબીબી જરૂરિયાતો માટે પૈસા ઉપાડવાના નિયમો ખૂબ સરળ છે. EPFO ના નિયમ (પેરા 68J) અનુસાર, EPF માં જોડાણ કર્યા પછી તરત જ પણ પૈસા ઉપાડી શકાય છે. જરૂરિયાત મુજબ સભ્ય ગમે તેટલી વાર આ રકમ ઉપાડી શકે છે.

(4:43 PM IST)