<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

ટ્રમ્‍પનો પાકિસ્‍તાન પર પ્રેમ છલકાયોઃ બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)ને જાહેર કર્યુ આતંકવાદી સંગઠન

પાકિસ્‍તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરની માંગણીને અમેરિકન રાષ્‍ટ્રપ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પૂરી કરી

 

વોશીંગ્‍ટન તા.૧૨: પાકિસ્‍તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરની માંગણીને અમેરિકન રાષ્‍ટ્રપ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પૂરી કરી છે. અમેરિકાના વિદેશ વિભાગે બલુચિસ્‍તાન લિબરેશન આર્મી (બીએલઅ) અને તેની પેટા-સંસ્‍થા મજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન (એફટીઓ) તરીકે જાહેર કરી છે. આ નિર્ણય પાકિસ્‍તાની આર્મી ચીફની વિનંતી સાથે સીધો સંબંધ ધરાવે છે, જેમણે બલુચ વિદ્રોહીઓ સામે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

આ જાહેરાત બાદ બીએલઅને વૈશ્વિક સ્‍તરે મળતા ભંડોળ અને હથિયારો પર સીધી અસર પડશે. અમેરિકી કાયદા હેઠળ, હવે કોઈપણ વ્‍યક્‍તિ કે સંગઠન બીએલઅને આર્થિક કે તકનીકી મદદ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. આનાથી બીએલઅનું નેટવર્ક નબળું પડશે.  આ નિર્ણયથી આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં પાકિસ્‍તાનને આંતરરાષ્‍ટ્રીય સમર્થન મળશે, જેનાથી તેની સુરક્ષા સંબંધિત દલીલો મજબૂત થશે. આ જાહેરાતથી બલુચ વિદ્રોહી ગતિવિધિઓ પર માનસિક અસર થશે. સંગઠનના સમર્થકો માટે હવે વિદેશમાં ખુલ્લેઆમ ભંડોળ એકત્ર કરવું કે લોબિંગ કરવું મુશ્‍કેલ બનશે. જોકે, કેટલાક નિષ્‍ણાતો માને છે કે તેનાથી બીએલઅ દબાણમાં આવીને હુમલાઓ વધુ તીવ્ર બનાવી શકે છે.

અમેરિકી વિદેશ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રમાં બીએલઅની ઘણી આતંકવાદી ઘટનાઓમાં સંડોવણીનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. ૨૦૨૪માં બીએલઅએ કરાચી એરપોર્ટ અને ગ્‍વાદર પોર્ટ ઓથોરિટી નજીક આત્‍મઘાતી હુમલા કર્યા હોવાનો દાવો કર્યો હતો. ૨૦૨૫માં બીએલઅએ ક્‍વેટાથી પેશાવર જતી જાફર એક્‍સપ્રેસ ટ્રેનનું હાઈજેક કર્યું હતું, જેમાં ૩૧થી વધુ લોકો માર્યા ગયા હતા અને ૩૦૦થી વધુ મુસાફરોને બંધક બનાવવામાં આવ્‍યા હતા.(૩૮.૫)

(9:53 AM IST)