<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ભારત અને સિંગાપોર વચ્ચે 10 મોટા કરાર, સૂર્યઊર્જા માટે દરિયામાં કેબલ નાખાશે!

સિંગાપોર ભારતનો આસિયાન દેશોમાં સૌથી મોટો વેપારી ભાગીદાર અને વિદેશી સીધા રોકાણ (FDI)નો મુખ્ય સ્ત્રોત પણ: આ કરારોથી બંને દેશોના સંબંધો બનશે વધુ મજબૂત

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લાદવાની ધમકીઓ વચ્ચે, ભારતે પોતાના આર્થિક અને રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. ભારત અને સિંગાપોર વચ્ચે આ અઠવાડિયે ટેકનોલોજી, ઊર્જા, કનેક્ટિવિટી અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં 10 જેટલા મહત્વના કરારો પર હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે

આ કરારોમાં • સૌર ઊર્જા માટે સમુદ્રી કેબલ: આ સમજૂતીઓનો સૌથી મહત્વાકાંક્ષી પ્રસ્તાવ ભારતથી સિંગાપોર સુધી સૌર ઊર્જા પહોંચાડવા માટે સમુદ્રની અંદર કેબલ નાખવાનો છે. આ કેબલ ડેટા કનેક્ટિવિટી પણ પૂરી પાડશે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે.
• ગ્રીન એનર્જી: કરારોમાં ભારતથી સિંગાપોરમાં ગ્રીન એમોનિયા અને ગ્રીન હાઇડ્રોજનની નિકાસ કરવાનો પણ પ્રસ્તાવ છે, જે સ્વચ્છ ઊર્જા તરફ બંને દેશોના સહિયારા પ્રયાસો દર્શાવે છે.
• કૌશલ્ય વિકાસ: બંને દેશો ઉડ્ડયન, સેમિકન્ડક્ટર અને અદ્યતન ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં વાર્ષિક 1 લાખ ભારતીયોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવા પર પણ ચર્ચા કરી રહ્યા છે.
• ડિજિટલાઈઝેશન અને રોકાણ: આ કરારો ટેકનોલોજી અને ડિજિટલાઈઝેશનના ક્ષેત્રમાં સહયોગ વધારવા તેમજ ભારતમાં સિંગાપોરની કંપનીઓ દ્વારા રોકાણ વધારવા પર પણ કેન્દ્રિત છે.
આ તમામ કરારોને આ અઠવાડિયે નવી દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા-સિંગાપોર મિનિસ્ટરિયલ રાઉન્ડટેબલ (ISMR) ની ત્રીજી બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ સિંગાપોરના 6 મંત્રીઓને મળશે. આ બેઠક સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગની ભારતની આગામી મુલાકાત માટે પણ તૈયારીઓ કરશે.
સિંગાપોર ભારતનો આસિયાન દેશોમાં સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને વિદેશી સીધા રોકાણ (FDI)નો મુખ્ય સ્ત્રોત પણ છે. આ કરારોથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે અને વૈશ્વિક રાજકારણમાં ભારતની સ્થિતિ વધુ દૃઢ થશે

(1:35 PM IST)