<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

પીએમ મોદી અને જયશંકર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક: અમેરિકાના 50% ટેરિફના વિવાદ વચ્ચે સાઉથ બ્લોકમાં હલચલ તેજ

બેઠક મુખ્યત્વે અમેરિકા સાથેના વેપાર વિવાદ અને ટ્રમ્પની ટેરિફ નીતિઓ પર કેન્દ્રિત હતી. આ બેઠક ભારતની આગામી રણનીતિ નક્કી કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ

નવી દિલ્હી :  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લાદવાની ધમકીઓ અને વધી રહેલા તણાવ વચ્ચે આજે સાઉથ બ્લોકમાં મોટી હલચલ જોવા મળી. વિદેશ મંત્રી એસ. જયશંકર અચાનક વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા, જેણે રાજકીય વર્તુળોમાં અનેક અટકળોને જન્મ આપ્યો છે.

આ બેઠકની સૌથી ખાસ વાત એ હતી કે, જયશંકર ઉપરાંત અમેરિકામાં ભારતના પૂર્વ રાજદૂત તરનજીત સિંહ સંધુ પણ હાજર હતા. સંધુની હાજરીથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક મુખ્યત્વે અમેરિકા સાથેના વેપાર વિવાદ અને ટ્રમ્પની ટેરિફ નીતિઓ પર કેન્દ્રિત હતી. આ બેઠક ભારતની આગામી રણનીતિ નક્કી કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 ટ્રમ્પે તાજેતરમાં ભારત પર વધારાના ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેનો હેતુ અમેરિકાની વેપાર ખાધ ઘટાડવાનો છે.

6 ઑગસ્ટના રોજ ટ્રમ્પે ભારત દ્વારા રશિયા પાસેથી તેલની સતત ખરીદી કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ભારતીય આયાત પર વધારાની 25% ડ્યુટી લગાવી, જેનાથી કુલ ટેરિફ 50% થઈ ગયો. આ ટેરિફ 21 દિવસ પછી લાગુ થશે.

 

જયશંકરે તાજેતરમાં એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે, "ભારત એક એવો નવો વિશ્વક્રમ ઈચ્છે છે જેમાં થોડા દેશોનું વર્ચસ્વ ન હોય." તેમણે એ પણ કહ્યું કે ભારત પોતાના હિતોનું રક્ષણ કરવા માટે કોઈના પણ દબાણ સામે ઝૂકશે નહીં. આ નિવેદન ભારતની મક્કમતા દર્શાવે છે.

 

આ ઉચ્ચ સ્તરીય બેઠક એ સંકેત આપે છે કે ભારત આ વેપાર પડકારનો સામનો કરવા માટે ગંભીરતાથી વિચારી રહ્યું છે. ભારતની રણનીતિ માત્ર ટેરિફના પડકારોનો સામનો કરવાનો જ નહીં, પરંતુ અમેરિકન બજારમાં તેની પહોંચને વધુ મજબૂત બનાવવાનો પણ છે.

(3:56 PM IST)