<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

હૃદયરોગ અચાનક નથી થતો, શરીર 10 વર્ષ અગાઉથી સંકેત આપે છે: આ રીતે ઓળખો લક્ષણો

જે લોકોને પાછળથી હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક અથવા હૃદયની નિષ્ફળતા જેવી સમસ્યાઓ થઈ, તેમની શારીરિક પ્રવૃત્તિ લગભગ 12 વર્ષ પહેલાંથી જ ઓછી થવા લાગી

ઘણા લોકો માને છે કે હૃદયરોગનો હુમલો અચાનક આવે છે, પરંતુ એક નવા અભ્યાસ મુજબ, હૃદયની બીમારીનાં પ્રારંભિક લક્ષણો તેના નિદાનના ઘણા વર્ષો પહેલાંથી જ દેખાવા લાગે છે. આ સંકેતોને સમયસર ઓળખી લેવામાં આવે તો મોટી મુશ્કેલીને ટાળી શકાય છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો એ હૃદયરોગનું પ્રથમ અને મુખ્ય લક્ષણ હોઈ શકે છે.
 
હૃદયરોગનું પ્રથમ સંકેત શું છે?
આ અભ્યાસ અનુસાર, જે લોકોને પાછળથી હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક અથવા હૃદયની નિષ્ફળતા જેવી સમસ્યાઓ થઈ, તેમની શારીરિક પ્રવૃત્તિ લગભગ 12 વર્ષ પહેલાંથી જ ઓછી થવા લાગી હતી. આ ઘટાડો કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર કે અન્ય જોખમી પરિબળો વધે તે પહેલાં જ શરૂ થઈ જાય છે. સંશોધકોએ 20-30 વર્ષની વયના 3,000થી વધુ લોકો પર નજર રાખી હતી અને જાણ્યું કે હૃદયરોગ થવાનું જોખમ વધે તે પહેલાં લગભગ 2 વર્ષ પહેલાં શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો ઝડપી બને છે.
 
હૃદયરોગના અન્ય પ્રારંભિક સંકેતો કયા છે?

•    જો સામાન્ય કામ કરતી વખતે પણ ઝડપથી થાકી જવાય અથવા સીડી ચડતી વખતે શ્વાસ ફૂલી જાય તો તે હૃદયની નબળાઈનું લક્ષણ હોઈ શકે છે.
•    છાતીમાં ભારેપણું, બળતરા કે હળવા દુખાવાને ક્યારેય અવગણવો ન જોઈએ.
•    હૃદયના ધબકારા ઝડપી કે અનિયમિત થાય તો તે ચેતવણીનો સંકેત હોઈ શકે છે.
•    હૃદય યોગ્ય રીતે લોહી પંપ ન કરી શકતું હોય તો પગ અને પગની ઘૂંટીમાં સોજો આવી શકે છે.
•    ઓછા સમયમાં અચાનક વજન વધવું એ પણ હૃદયના કાર્યમાં ખલેલનો સંકેત હોઈ શકે છે.
 
હૃદયને સ્વસ્થ રાખવા શું કરવું?

•    દરરોજ 30-45 મિનિટની કસરત, જેમ કે ઝડપી ચાલવું કે સાયકલ ચલાવવાથી હૃદય મજબૂત બને છે.
•    તાજા ફળો, શાકભાજી, આખા અનાજ અને ઓમેગા-3થી ભરપૂર આહાર લો. પ્રોસેસ્ડ ફૂડ અને વધુ પડતું મીઠું ટાળો.
•    યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓથી તણાવ ઓછો કરી શકાય છે.
•    30 વર્ષની ઉંમર પછી, તમારા કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને સુગર લેવલની નિયમિત તપાસ કરાવતા રહો.
•    ધૂમ્રપાન અને દારૂનું સેવન હૃદયરોગ માટે મુખ્ય જોખમી પરિબળો છે, તેથી તેનાથી દૂર રહો.

આ સંકેતોને ઓળખીને અને જીવનશૈલીમાં ફેરફાર કરીને તમે તમારા હૃદયને સ્વસ્થ રાખી શકો છો.

(5:22 PM IST)