<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

અમેરિકામાં લેન્ડિંગ દરમિયાન બેકાબૂ વિમાનની અન્ય વિમાન સાથે ટક્કર બાદ ભીષણ આગ

મુસાફરોએ માંડ માંડ બચાવ્યો જીવઃફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો અને વિમાન સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો

મોન્ટાનાના, તા.૧૨:અમેરિકામાં મોન્ટાનાના કાલિસ્પેલ શહેરમાં ચોંકાવનારી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. કાલિસ્પેલ સિટી એરપોર્ટ પર સિંગલ-એન્જિન સોકાટા ટીબીએમ ૭૦૦ ટર્બોપ્રોપ વિમાન લેન્ડિંગ દરમિયાન અન્ય વિમાન સાથે અથડાયું હતું. ટક્કર બાદ વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જો કે, ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો અને વિમાન સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.

કાલિસ્પેલ પોલીસ ચીફ જોર્ડન વેનાન્ઝિયો અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના જણાવ્યાનુસાર, વિમાન દક્ષિણથી આવી રહ્યું હતું અને રનવે પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈને અન્ય વિમાન સાથે અથડાતાં જ આગ લાગી હતી. સદનસીબે વિમાનમાં સવાર પાઇલટ અને ત્રણ મુસાફરો કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા. બે મુસાફરોને નાની ઈજાઓ થઈ હતી, જેમની સારવાર એરપોર્ટ પર જ કરવામાં આવી હતી.

અકસ્માત પછી કાલિસ્પેલ એરપોર્ટ પર અફરાતફરી મચી હતી, પરંતુ ફાયર બ્રિગેડે ઝડપથી આગ પર કાબુ મેળવ્યો. ઘણા વિમાનોને નુકસાન થયું હતું, જેની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી.ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન રેકોર્ડ્સ અનુસાર, સિંગલ-એન્જિન સોકાટા ટીબીએમ ૭૦૦ ટર્બોપ્રોપ વિમાન ૨૦૧૧માં બનાવવામાં આવ્યું હતું અને તે વોશિંગ્ટનના પુલમેન સ્થિત કંપની મીટર સ્કાય લિમિટેડ લાયેબિલિટી કંપની (LLC)ની માલિકીનું છે. એફએએ અને અન્ય તપાસ એજન્સીઓએ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરૃ કરી દીધી છે.

 

(7:49 PM IST)