હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાહતઃ ૮ વર્ષના સૌથી નીચલા સ્તરે મોંઘવારી દર
જુલાઈમાં ઘટીને ૧.૫૫ ટકા થયો છે, જે જૂનમાં ૨.૧ ટકા હતો

નવી દિલ્હી તા.૧૩: મોંઘવારીના મોરચે દેશની જનતા માટે આ સારા સમાચાર છે. રિટેલ મોંઘવારી દર જુલાઈમાં ઘટીને ૧.૫૫ ટકા થયો છે, જે જૂનમાં ૨.૧ ટકા હતો. જાન્યુઆરી, ૨૦૧૯ પછી પહેલી વાર મોંઘવારી દર ૨ ટકાથી નીચે આવ્યો છે. આ આંકડો ૧૨ ઓગસ્ટે બહાર પડાયેલા સરકારી ડેટામાંથી સામે આવ્યો છે. છેલ્લા છ મહિનાથી મોંઘવારી દર ૪ ટકાથી નીચે રહ્યો છે. એપ્રિલથી તેની સરેરાશ ત્રણ ટકાથી ઓછી રહી છે.
સત્તાવાર આંકડા અનુસાર કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઇ) આધારિત આ દર જૂન, ૨૦૨૫ના ૨.૧૦ ટકાથી ઓછો છે, એટલે કે મહિના-દર-મહિના ૫૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે. નોંધનીય છે કે આ જૂન ૨૦૧૭ પછીનો સૌથી ઓછો મોંઘવારી દર છે. સીપીઆઇઆધારિત મોંઘવારી મે, ૨૦૨૫માં પણ ૨.૧૦ ટકા રહી હતી.
જુલાઈ, ૨૦૨૫માં ફૂડ ઇન્ફ્લેશન વધુ ઘટીને -૧.૭૬ ટકા આવી ગયો હતો, જ્યારે જૂનમાં તે -૧.૦૧ ટકા હતો. ખાદ્ય મોંઘવારી દર સતત બીજા મહિને નકારાત્મક રહ્યો છે. આ ઘટાડો દાળ, શાકભાજી, અનાજ, ઇંડાં, ખાંડ અને પરિવહન ખર્ચમાં ઘટાડાને કારણે થયો છે. જુલાઈમાં નોંધાયેલો આ દર જાન્યુઆરી, ૨૦૧૯ પછીનો સૌથી ઓછો ખાદ્ય મોંઘવારી દર છે.
જુલાઈમાં ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘવારી દર ૧.૧૮ ટકા રહ્યો, જે જૂનના ૧.૭૨ ટકાથી ઓછો છે. શહેરી મોંઘવારી દર પણ ૨.૫૬ ટકાથી ઘટીને ૨.૦૫ ટકા થયો હતો. હાઉસિંગ સેક્ટરમાં મોંઘવારી દર ૩.૧૭ ટકા પર લગભગ સ્થિર રહ્યો હતો, શિક્ષણમાં તે ૪.૩૭ ટકાથી ઘટીને ૪ ટકા થયો હતો, જ્યારે હેલ્થ સેક્ટરમાં મોંઘવારી દર જૂનના ૪.૩૮ ટકાથી વધીને ૪.૫૭ ટકા થયો હતો.(૩૮.૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
