અમદાવાદ વિમાન અકસ્માતમાં માતા ગુમાવનાર પુત્રએ બોઈંગ કંપની વિરૂધ્ધ ઠોકયો કેસ
સૌથી મોટા વકિલ રોકયા

ન્યુયોર્ક, તા.૧૩: ગુજરાતના અમદાવાદમાં ૧૨ જૂને થયેલા ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના દુઃખને ભાગ્યે જ કોઈ ભૂલી શકયું હશે. હવે આ ઘટનામાં પોતાની માતા કલ્પના બેન પ્રજાપતિને ગુમાવનાર હીર પ્રજાપતિએ યુએસ ફેડરલ કોર્ટમાં બોઇંગ કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. હીરને આશા છે કે તેને જલ્દી ન્યાય મળશે. આ દુઃખદ અકસ્માતમાં ૨૬૦ લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં ૨૨૯ મુસાફરો, ૧૨ ક્રૂ સભ્યો અને જમીન પર ૧૯ લોકોનો સમાવેશ થાય છે.
એએનઆઈ સાથે વાત કરતાં, હીરે જણાવ્યું કે તેમણે આ કેસ માટે પ્રખ્યાત વકીલ માઈક એન્ડ્રુઝને રાખ્યા છે, જે ૬૫ થી વધુ પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હીરે કહ્યું, અમે માઈક એન્ડ્રુઝને પસંદ કર્યા છે. અમને આશા છે કે વિમાનના બ્લેક બોક્સ વિશેની માહિતી ટૂંક સમયમાં મળી જશે, જેથી અમે અને અમારા વકીલો આગળની કાર્યવાહી નક્કી કરી શકીએ. ભારતમાં કેસ વર્ષો સુધી ચાલે છે, તેથી અમે અમેરિકામાં કેસ દાખલ કર્યો, જ્યાં નિર્ણય ઝડપથી લઈ શકાય છે.
હીરે ભારત સરકાર, પોલીસ અને ડોકટરોનો હૃદયપૂર્વક આભાર માન્યો. તેમણે કહ્યું, અમને પૂર્ણ વિશ્વાસ છે કે ન્યાય થશે. અકસ્માત પછી, સરકાર અને પોલીસે અમને ખૂબ મદદ કરી. ડોકટરોએ ઝડપથી ડીએનએ ટેસ્ટ પણ કરાવ્યો અને માતાનો મળતદેહ અમને સોંપ્યો. હીરે જણાવ્યું કે તેની માતાની ફ્લાઇટ પહેલા ૯ જૂને બુક કરવામાં આવી હતી, પરંતુ તેના ઉપવાસને કારણે, તેની વિનંતી પર તેને ૧૧ જૂન અને પછી ૧૨ જૂને ખસેડવામાં આવી. તેમણે કહ્યું, માતા કોઈ વિચિત્ર તારીખે મુસાફરી કરવા માંગતી ન હતી. તેથી મેં ૧૨ જૂનની ટિકિટ બુક કરાવી, પરંતુ અકસ્માત એ જ દિવસે થયો.
અકસ્માતના બે મહિના પછી, પીડિત પરિવારોએ અમદાવાદમાં મીણબત્તી માર્ચ કાઢી. આ દરમિયાન, વકીલ માઈક એન્ડ્રુઝે કહ્યું, આ દુર્ઘટના દરેક માટે ખૂબ જ દુઃખદ છે. પરિવારોએ મીણબત્તી માર્ચ કાઢીને તેમના પ્રિયજનોને શ્રદ્ધાંજલિ આપી. તેમાં ભાગ લેવાની તક મળવા બદલ અમે આભારી છીએ. પરિવારો હવે જવાબ માંગે છે કે આ અકસ્માત કેવી રીતે થયો. ૧૨ જૂને, એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું. આ અકસ્માતે સમગ્ર દેશને આઘાત પહોંચાડ્યો. હવે પીડિત પરિવારો ન્યાય અને સત્યની શોધમાં છે. (રર.૧૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
