News of Wednesday, 13th August 2025
નાગરિકતા સાબિત કરવા માટે શું આધાર કાર્ડ -પાન કાર્ડ પૂરતા છે? : જાણો નાગરિક તરીકેના શું પુરાવા હોય શકે ?
જન્મ પ્રમાણપત્ર, માન્ય ભારતીય પાસપોર્ટ, સરકારી રજિસ્ટરમાં જન્મ અથવા નાગરિકતા સંબંધિત એન્ટ્રી, વારસાગત પુરાવા

નવી દિલ્હી : દેશમાં નાગરિકતા સાબિત કરવા માટે કયા દસ્તાવેજો માન્ય છે તે અંગે મોટી મૂંઝવણ પ્રવર્તી રહી છે. તાજેતરમાં, બોમ્બે હાઈકોર્ટે થાણેના એક કથિત બાંગ્લાદેશી વ્યક્તિના કેસમાં સ્પષ્ટ કર્યું છે કે આધાર, પાન અને મતદાર ઓળખપત્ર નાગરિકતાનો પુરાવો નથી. આ દસ્તાવેજો હોવા છતાં, કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો, જેનાથી ઘણા લોકોના મનમાં પ્રશ્નો ઉભા થયા છે.
લોકો સામાન્ય રીતે આધાર, પાન અને મતદાર ઓળખપત્રને નાગરિકતાના સૌથી મજબૂત પુરાવા માને છે. પરંતુ, કાયદાકીય દૃષ્ટિકોણથી તેમની મર્યાદાઓ છે.
આધાર કાર્ડ માત્ર એક ઓળખ પત્ર છે. સુપ્રીમ કોર્ટે પણ અગાઉ સ્પષ્ટ કર્યું છે કે તેનો હેતુ નાગરિકતા સાબિત કરવાનો નથી, પરંતુ વ્યક્તિની ઓળખ સુનિશ્ચિત કરવાનો છે.
પાન કાર્ડ ટેક્સ સંબંધિત વ્યવહારો માટેનું એક ઓળખ પત્ર છે.
મતદાર ઓળખપત્ર મતદાન કરવા માટેનું કાર્ડ છે, જે વ્યક્તિને ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર આપે છે, પરંતુ તે કાયદેસર રીતે નાગરિકતાનો પુરાવો સાબિત કરતું નથી.
બોમ્બે હાઈકોર્ટના ચુકાદા અનુસાર, જો તમારે કાયદેસર રીતે તમારી નાગરિકતા સાબિત કરવી હોય તો તમારે આ દસ્તાવેજો રજૂ કરવા પડશે:
જન્મ પ્રમાણપત્ર, જો તમે ભારતમાં જન્મ્યા છો, તો આ સૌથી મજબૂત અને માન્ય દસ્તાવેજ છે.
માન્ય ભારતીય પાસપોર્ટ એક સચોટ પુરાવો છે જે નાગરિકતા સાબિત કરે છે.
સરકારી રજિસ્ટરમાં જન્મ અથવા નાગરિકતા સંબંધિત એન્ટ્રી, સરકારી રેકોર્ડમાં તમારી નાગરિકતા સંબંધિત કોઈ પણ નોંધણી પણ માન્ય ગણાય છે.
વારસાગત પુરાવા, જો તમારો જન્મ વિદેશમાં થયો હોય, તો તમારા માતા-પિતાના ભારતીય નાગરિકતાના દસ્તાવેજો રજૂ કરવા જરૂરી છે.
આ ચુકાદો એ સ્પષ્ટ કરે છે કે આધાર, પાન અને મતદાર ઓળખપત્ર જેવા દસ્તાવેજો ઓળખ અને સરનામા માટે મહત્વના છે, પરંતુ જ્યારે નાગરિકતા સાબિત કરવાનો પ્રશ્ન આવે ત્યારે કાયદેસર રીતે માન્ય દસ્તાવેજો જ જરૂરી છે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
