યુપીએસસીના ૧૦૦ વર્ષની ભવ્ય ઉજવણી: આયોગની ઐતિહાસિક સફર અને ભવિષ્યનું વિઝન
શતાબ્દી વર્ષ દરમિયાન આધુનિકરણ અને નવીનતા પર ભાર મૂકતા અનેક નવા સુધારાઓ અને પહેલ શરૂ કરવામાં આવશે: એક ખાસ લોગો અને ટૅગલાઇન પણ રજૂ કરશે:૧૯૨૬ના રોજ ભારતમાં જાહેર સેવા આયોગની સ્થાપના થઈ: ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતીય બંધારણ અપનાવવામાં આવતા તેને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) નામ આપવામાં આવ્યું

નવી દિલ્હી: કેન્દ્રીય જાહેર સેવા આયોગ (યુપીએસસી) ૧લી ઓક્ટોબર, ૨૦૨૫થી તેની સ્થાપનાના ૧૦૦ વર્ષની ઉજવણીનો પ્રારંભ કરશે. આ ઉજવણી ૧લી ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ચાલશે. આયોગના ચેરમેન શ્રી અજય કુમારે તાજેતરમાં એક બેઠકમાં આ અંગેની જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું કે, આ શતાબ્દી વર્ષની ઉજવણી આયોગ માટે તેના વારસા પર ગર્વ કરવા, સુધારાઓ માટે આત્મનિરીક્ષણ કરવા અને દેશના સર્વશ્રેષ્ઠ માનવ સંસાધનોને રાષ્ટ્રનિર્માણમાં જોડવા માટે એક રોડમેપ તૈયાર કરવાની તક છે.
આ ઉજવણીના ભાગરૂપે, યુપીએસસી દેશ પ્રત્યેની તેની સેવાનું પ્રતીક હોય તેવો એક ખાસ લોગો અને ટૅગલાઇન રજૂ કરવાની યોજના ધરાવે છે. આ સાથે, શતાબ્દી વર્ષ દરમિયાન આધુનિકરણ અને નવીનતા પર ભાર મૂકતા અનેક નવા સુધારાઓ અને પહેલ શરૂ કરવામાં આવશે. યુપીએસસીના ચેરમેને ઉમેર્યું કે, "અમે કર્મચારીઓ પાસેથી પણ તેમના સૂચનો અને ઇનપુટ્સ મેળવ્યા છે અને તેમને આ ઉજવણીનો અભિન્ન ભાગ બનાવવાનો અમારો પ્રયાસ છે."
નોંધનીય છે કે, ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ, ૧૯૧૯ અને લી કમિશન (૧૯૨૪)ની ભલામણોના આધારે ૧લી ઓક્ટોબર, ૧૯૨૬ના રોજ ભારતમાં જાહેર સેવા આયોગની સ્થાપના થઈ હતી. બાદમાં ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતીય બંધારણ અપનાવવામાં આવતા તેને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) નામ આપવામાં આવ્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
