<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

મહત્વના સમાચારો: ઝડપભેર વાંચી જાવ

*સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ દેશભરમાં સુરક્ષા કડક : સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ દેશભરમાં, ખાસ કરીને પાટનગર દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. લાલ કિલ્લા પર થનારા મુખ્ય કાર્યક્રમ અને દેશના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે દિલ્હી પોલીસે સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કર્યું છે. દિલ્હીના પ્રવેશ માર્ગો પર વાહનોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. 

*ખાલીસ્તાની આતંકી પન્નુ દ્વારા ભારતમાં પણ વાતાવરણ બગાડવાની સંભવિત પ્રયાસો અંગે ચેતવણી : ગુપ્તચર વિભાગે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા વાતાવરણ બગાડવાની સંભવિત કોશિશ અંગે ચેતવણી આપતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. દેશના અન્ય મોટા શહેરો અને સરહદી વિસ્તારોમાં પણ સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે.

*કરાચીમાં પાકિસ્તાનના સ્વાતંત્રતા દિવસે ગોળીબારો: બાળક સહિત ત્રણના મોત : પાકિસ્તાનના કરાચીમાં સ્વાતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. અઝીઝાબાદ સહિતના અનેક વિસ્તારોમાં થયેલા ગોળીબારમાં ૮ વર્ષની બાળકી અને એક વૃદ્ધ સહિત કુલ ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હોવાના અહેવાલો છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સત્તાવાર સૂત્રો દ્વારા આ ઘટના પાછળના કારણો અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.

 

*સુરત નજીક કાપડના વેપારી પર ફાયરિંગ :સુરત જિલ્લાના કોસંબા પાસે આવેલા પીપોદરા ગામ નજીક એક કાપડના વેપારી પર અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું છે. હુમલાખોરોએ વેપારી પર આશરે ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. : ગંભીર રીતે ઘવાયેલા વેપારીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગ પાછળનું કારણ હજુ અસ્પષ્ટ છે, પરંતુ પોલીસ દ્વારા આર્થિક લેવડ-દેવડ કે અન્ય કોઈ અંગત અદાવતની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.આ ઘટનાને પગલે સુરત અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

 

*પાંચ રાજ્યોમાં ભારે પૂરનું જોખમ: હિમાચલમાં વાદળાઓ ફાટ્યા : દેશના પાંચ રાજ્યોમાં, જેમાં હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે, અચાનક ભારે પૂરનું જોખમ હોવાની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, હિમાચલ પ્રદેશમાં ચાર જુદા જુદા સ્થળોએ વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું છે. આ ઘટનાને પગલે બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યા છે અને સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે.

*દિલ્હી-ગાઝિયાબાદમાં મુશળધાર વરસાદ: જળબંબાકારની સ્થિતિ : દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં, ખાસ કરીને ગાઝિયાબાદમાં, ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. દિલ્હીના અનેક મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. વરસાદના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો હોવાના અહેવાલો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 

 

*ઉત્તરાખંડમાં ગેરકાયદે ધર્માંતરણ માટે કડક કાયદો : ઉત્તરાખંડ સરકારે ગેરકાયદેસર ધર્માંતરણને રોકવા માટે આકરું વલણ અપનાવ્યું છે. રાજ્ય કેબિનેટે ધર્માંતરણ વિરોધી કાયદામાં સુધારો કરી સજાની જોગવાઈઓને વધુ કડક બનાવી છે. : નવા સુધારા મુજબ, ગેરકાયદે ધર્માંતરણ માટે દોષિત ઠરનાર વ્યક્તિને આજીવન કેદની સજા અને ભારે દંડ થઈ શકે છે.  : આ નિર્ણયનો હેતુ રાજ્યમાં બળજબરીપૂર્વક કે છેતરપિંડીથી થતા ધર્માંતરણને અટકાવવાનો છે. આ કાયદો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં મદદ કરશે તેવું સરકારનું માનવું છે.

 

*ખાલિસ્તાની આતંકી પન્નુ પર ભારતીય ગુપ્તચર વિભાગની નજર : અમેરિકામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ ભારતમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. આ અંગે ભારતીય ગુપ્તચર વિભાગે દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી છે. 

પન્નુના નિવેદનો અને ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને સ્વાતંત્ર્ય દિવસ જેવા રાષ્ટ્રીય પર્વો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દિલ્હી પોલીસને વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

 

 

*દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકા-ચીન વચ્ચે તણાવ : દક્ષિણ ચીન સમુદ્રમાં તણાવની સ્થિતિ વધુ વણસી રહી છે. અમેરિકાએ આ વિસ્તારમાં બે યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. : બીજી તરફ, ચીને દાવો કર્યો છે કે તેણે એક અમેરિકી ડિસ્ટ્રોયરને પોતાના જળસીમામાંથી ભગાડી દીધું છે. જોકે, અમેરિકાએ ચીનના આ દાવાને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે તેના જહાજો આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ જ ગતિવિધિઓ કરી રહ્યા છે. આ ઘટનાથી આ વિસ્તારમાં બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વધી શકે છે, જે વૈશ્વિક શાંતિ માટે ચિંતાજનક છે.

 

*મૃતક મહિલા ઉપર સામૂહિક બળાત્કાર થયાની ફરિયાદ : સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી: મૃતક મહિલા પર ૫ વ્યક્તિએ દુષ્કર્મ આચર્યાની પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

*મક્કા પંથકના શહેરમાં અસાધારણ ભારે વરસાદ પડ્યો : સાઉદી અરેબિયાના મક્કા પ્રાંતના ટાઈફ શહેરમાં ૧૨ ઓગસ્ટેઅસાધારણ ભારે વરસાદે ભયંકર સ્થિતિ સર્જી. શહેરની ડ્રેનેજ સિસ્ટમ તૂટી ગઈ છે. : સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય હવામાન કેન્દ્ર દ્વારા જારી કરાયેલી ચેતવણીમાં ટાઈફ, મક્કા અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ, કરા અને ધૂળની ડમરીઓની આગાહી કરવામાં આવી હતી. આ ભારે વરસાદને કારણે શહેરની ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ ગઈ, જેના પરિણામે રસ્તાઓ પર પાણીનો ધસમૂસ ધસારો થયો અને ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ સ્થાનિક સત્તામંડળ અને સિવિલ ડિફેન્સ ટીમો ફસાયેલા નાગરિકોને બચાવવા અને પાણીથી ભરાયેલા રસ્તાઓનું સંચાલન કરવા માટે સતત કામ કરી રહી છે. નાગરિકોને ખીણો અને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા અને ભીના રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

(9:38 AM IST)