<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

અમેરિકામાં ફરી સ્‍વામિનારાયણ મંદિર પર હુમલોઃ સાઇનબોર્ડની તોડફોડ

ભારતીય દૂતાવાસે કરી કાર્યવાહીની માંગ

 

ઇન્‍ડિયાના તા.૧૪: અમેરિકામાં સ્‍વામિનારાયણ મંદિર પર હુમલો કરવાની વધુ એક ઘટના બની છે. અમેરિકાના ઇન્‍ડિયાનાના ગ્રીનવુડમાં સ્‍થિત બીએપીએસ શ્રી સ્‍વામિનારાયણ મંદિર ફરી એકવાર તોડફોડનો ભોગ બન્‍યું છે. કેટલાક બદમાશોએ મંદિરના સાઇનબોર્ડ અને દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્‍યા હતા. આને ‘‘હેઇટ ક્રાઇમ''તરીકે જોવામાં આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં મંદિર પર આ ચોથો હુમલો છે, જેના કારણે હિન્‍દુ સમુદાયમાં રોષ ફેલાયો છે. શિકાગો માં ભારતના કોન્‍સ્‍યુલેટ જનરલે આ ઘટનાને નિંદનીય ગણાવી.

બદમાશોએ મંદિરના મુખ્‍ય બાહ્ય બોર્ડ પર નફરતના સંદેશ લખ્‍યા હતા. બીએપીએસના એક સ્‍વયંસેવકે જણાવ્‍યું હતું કે આ ગ્રેફિટી હિંદુઓ સામે નફરત અને અસહિષ્‍ણુતાનો સંદેશ છે.

ગ્રીનવુડ પોલીસ વિભાગને જાણ કરવામાં આવ્‍યા બાદ મંદિરના મુખ્‍ય બાહ્ય બોર્ડ પરના વાંધાજનક સંદેશ દૂર કરવામાં આવ્‍યા હતા. સ્‍થાનિક પોલીસ વિભાગે કહ્યું છે કે તે મંદિરના સાઉથ મેડિસન સ્‍ટ્રીટ સરનામા પર ગુનાહિત દુષ્‍કર્મની સક્રિય તપાસ કરી રહ્યું છે.

બીએપીપીએસ પબ્‍લિક અફેર્સે સોશિયલ મીડિયા  પ્‍લેટફોર્મ એક્‍સ ઉપર કહ્યું કે, આવા હુમલા સમુદાયની એકતાને મજબૂત બનાવે છે. એક વર્ષથી ઓછા સમયમાં આ ચોથી વખત છે જ્‍યારે આપણા મંદિરને નફરતથી નુકસાન થયું છે. સંગઠને તેને હિન્‍દુ વિરોધી નફરત ગુનો ગણાવ્‍યો અને નફરત સામે એક થવા હાકલ કરી.

આ ઘટના એવા સમયે બની છે જ્‍યારે અમેરિકામાં હિન્‍દુ મંદિરો પર હુમલાઓની સંખ્‍યા વધી રહી છે. હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશને પણ આ ઘટનાની તસવીરો શેર કરી અને તેને ખાલિસ્‍તાની સમર્થકોનું કામ ગણાવ્‍યું.

શિકાગોમાં ભારતના કોન્‍સ્‍યુલેટ જનરલે નિવેદનમાં મંદિર વિસ્‍તારમાં દુષ્‍કર્મીઓ સામે સતર્ક રહેવાની હાકલ કરવામાં આવી હતી

શિકાગોમાં ભારતના કોન્‍સ્‍યુલેટ જનરલે એકસ પર લખ્‍યું કે કોન્‍સ્‍યુલેટ સમુદાયના સંપર્કમાં છે અને તાત્‍કાલિક કાર્યવાહી માટે કાયદા અમલીકરણ અધિકારીઓ સમક્ષ આ મામલો ઉઠાવ્‍યો છે.

ઇન્‍ડિયાના પોલિસમાં સેન્‍ટર ફોર ઇન્‍ટરફેથ કોઓપરેશન દ્વારા સોમવારે એક નિવેદન બહાર પાડીને તોડફોડની નિંદા કરવામાં આવી.(૩૮.૪)

(9:53 AM IST)