<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

રાજસ્‍થાનમાં સરકારી નોકરી મેળવવા મહિલાઓ પતિને આપી રહી છે ડિવોર્સ

ઉમેદવારો તલાકશુદા મહિલાઓ માટે મળતા ૨ ટકા આરક્ષણનો લાભ લેવા ફર્જી છૂટાછેડાના કાગળો બનાવે છેઃ નોકરી મળ્‍યા બાદ તેઓ ફરીથી લગ્ન કરી લે છેઃ અસલી હકદારોનો હક છીનવાય છે

જયપુર,તા.૧૪: રાજસ્‍થાનમાં સરકારી નોકરી મેળવવા માટે ઉમેદવારો છૂટાછેડા લીધેલ મહિલાઓ માટે મળતા ૨ ટકા આરક્ષણનો લાભ લેવા બનાવટી તલાકના કાગળો બનાવે છે. નોકરી મળ્‍યા બાદ તેઓ ફરીથી લગ્ન કરી લે છે, જેનાથી અસલી હકદારોનો હક છીનવાય છે. આ ગેરરીતિ સામે રાજસ્‍થાન કર્મચારી ચયન બોર્ડ અને સ્‍પેશિયલ ઓપરેશન ગ્રૂપ કડક કાર્યવાહીની તૈયારીમાં છે. બોર્ડના અધ્‍યક્ષ મેજર જનરલ આલોક રાજે કહ્યું છે કે આવા ફરજીવાડા સામે કોઈ ઢીલ નહીં રાખવામાં આવે.

જયપુરમાં થોડા સમય પહેલાં એક કોન્‍સ્‍ટેબલના પતિએ ફરિયાદ નોંધાવી હતી કે, તેની પત્‍નીએ ફર્જી છૂટાછેડાના કાગળો બનાવીને નોકરી મેળવી, જોકે તે સમયે તે લગ્નજીવન જીવતી હતી. ઘણી મહિલાઓ ભરતી પરીક્ષા પહેલા પતિથી દેખાડા માટે તલાક લઈને છૂટાછેડા કેટેગરીનો લાભ લે છે.  આનાથી ખરેખર છૂટાછેડા મહિલાઓનો હક ડૂબાડવામાં આવે છે. રાજસ્‍થાન કર્મચારી ચયન બોર્ડને આવા ૧૨થી વધુ નક્કર કેસની ફરિયાદો મળી છે.

આ કેટેગરીની કટ-ઓફ સામાન્‍ય અને અન્‍ય શ્રેણીઓની તુલનામાં ઘણી ઓછી હોય છે, જેના કારણે ઉમેદવારો ફરજી તલાકના કાગળો બનાવીને આ કોટામાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે.

ફરજીવાડો માત્ર છૂટાછેડાને લગતા કોટા પૂરતો મર્યાદિત નથી. આર્થિક રીતે નબળા વર્ગના પ્રમાણપત્રોમાં પણ ગેરરીતિઓ સામે આવી છે. ઘણા ઉમેદવારો પાત્રતા ન હોવા છતા બનાવટી ઈડબલ્‍યુએસ પ્રમાણપત્રો બનાવીને નોકરી મેળવવાનો પ્રયાસ કરે છે. બોર્ડે લોકોને આવા ફરિયાદ કરવા અપીલ કરી છે. (૪૦.૬)

(9:58 AM IST)