News of Thursday, 14th August 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી દરમિયાન અંધાધૂંધ ગોળીબારઃ ૩ લોકોના મોતઃ ૬૦ થી વધુ ઘાયલ
આઝાદીનો જશ્ન લોહીથી ખરડાયોઃ આ તે કેવી ઉજવણી?

કરાચી,તા.૧૪: પાકિસ્તાન ૧૪ ઓગસ્ટે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. અહીં કરાચી શહેરમાં સ્વતંત્રતાની ઉજવણી દરમિયાન પીડાદાયક ઘટનાઓ બની છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન કરવામાં આવેલા ગોળીબારમાં ૩ લોકોના મોત થયા છે, જેમાં ૮ વર્ષની બાળકી અને એક વૃદ્ધ નાગરિકનો સમાવેશ થાય છે. ગોળીબારમાં ૬૦ થી વધુ લોકો ગોળીબારથી ઘાયલ થયા છે. જિયો ન્યૂઝે એક અધિકારીને ટાંકીને આ સમાચાર આપ્યા છે.
સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન શહેરમાં ગોળીબારની ઘટનાઓ બની છે. અહીં અઝીઝાબાદમાં એક છોકરીને ગોળી વાગી હતી અને કોરંગીમાં સ્ટીફન નામના વ્યક્તિનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, શહેરભરમાં આ ઘટનાઓમાં ઓછામાં ઓછા ૬૪ અન્ય લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આવી ઘટનાઓને ખતરનાક અને બેદરકારીનું પરિણામ ગણાવી છે. આ દરમિયાન લોકોને સ્વતંત્રતા દિવસની ઉજવણી સુરક્ષિત રીતે કરવાની પણ અપીલ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કરાચીના લિયાકતાબાદ, કોરંગી, લ્યારી, મહમૂદાબાદ, અખ્તર કોલોની, કેમારી, જેક્સન, બલદિયા, ઓરંગી ટાઉન અને પાપોશ નગર જેવા વિસ્તારોમાં ગોળીબારની ઘટનાઓ બની છે. આ ઉપરાંત શરીફાબાદ, નઝામાબાદ, સુરજની ટાઉન, ઝમાન ટાઉન અને લાંધી જેવા વિસ્તારોમાં પણ ગોળીબાર થયો છે. પાકિસ્તાનમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ગોળીબારની ઘટનાઓ બને છે. ૨૦૨૪ માં પણ આવી જ ઘટના નોંધાઈ હતી. આમાં એક બાળકનું મોત થયું હતું અને ૯૫ થી વધુ લોકો ઘાયલ થયા હતા
પોલીસે ફાયરિગની ઘટનાઓની તપાસ શરૂ કરી છે અને ખાતરી આપી છે કે હવાઈ ફાયરિગમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એબીપી ન્યૂઝના અહેવાલ મુજબ, પોલીસ અધિકારીઓએ આ ઘટનાઓ માટે અનેક કારણો જવાબદાર ગણાવ્યા છે, જેમાં મતભેદો, વ્યક્તિગત અદાવત અને લૂંટના પ્રયાસોનો પ્રતિકારનો સમાવેશ થાય છે. એબીપી ન્યૂઝ અનુસાર, જાન્યુઆરીની શરૂઆતમાં, કરાચીમાં ગોળીબારની ઘટનાઓમાં ૫ મહિલાઓ સહિત ઓછામાં ઓછા ૪૨ લોકો માર્યા ગયા હતા અને ૨૩૩ લોકો ઘાયલ થયા હતા.(૪૦.૧૧)
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
