News of Thursday, 14th August 2025
જમ્મુ-કાશ્મીરમાં મચૈલ માતાના મંદિર પાસે આભ ફાટ્યું: કિશ્તવાડમાં ભયાનક તારાજી, ૩૩નાં મોત, ૨૨૦થી વધુ લાપતા: યાત્રા ચાલી રહી હોય મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ એકત્ર થયા હતા મૃત્યુ આંક વધવા ભય:જુઓ વિડીયો

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર વિસ્તારમાં મચૈલ માતાના મંદિર પાસે આભ ફાટતા ફ્લેશ ફ્લડ આવ્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૩૩ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં સીઆઈએસએફના ૨ જવાન પણ સામેલ છે. ૧૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ૨૨૦થી વધુ લોકો ગુમ હોવાની આશંકા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ પરિસ્થિતિનો તાગ મેળવી રાહત અને બચાવ કામગીરી માટે એન ડી આર એફ ટીમો રવાના કરી છે.
વિગતે જોઈએ તો જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર સબ-ડિવિઝનમાં આવેલા ચિશોતી ગામ નજીક આભ ફાટવાની ઘટના બની છે, જેના કારણે ભયાનક ફ્લેશ ફ્લડ આવ્યું છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં વિનાશક દૃશ્યો સર્જાયા છે. આ ઘટના મચૈલ માતાના મંદિર નજીક બની છે, જ્યાં વાર્ષિક યાત્રા ચાલી રહી હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા.
મૃત્યુઆંક અને બચાવ કામગીરી
સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી મુજબ, અત્યાર સુધીમાં ૩૩ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ના બે જવાનોનો સમાવેશ થાય છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે વાતચીત કરીને પરિસ્થિતિની સંપૂર્ણ જાણકારી મેળવી છે. તેમણે રાહત અને બચાવ કાર્ય માટે તમામ શક્ય મદદની ખાતરી આપી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન ડી આર એફ)ની બે ટીમો ઉધમપુરથી કિશ્તવાડ રવાના કરવામાં આવી છે, જેઓ આધુનિક સાધનો સાથે બચાવ કામગીરીમાં જોડાઈ છે. આ ઉપરાંત, સૈન્ય, પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસ ડી આર એફ)ના જવાનો પણ બચાવ કાર્યમાં લાગેલા છે.
યાત્રા સ્થગિત, કંટ્રોલ રૂમ શરૂ: ચિશોતી ગામ એ મચૈલ માતાના મંદિરની વાર્ષિક યાત્રાનો છેલ્લો મોટરેબલ પોઇન્ટ છે. ઘટના બાદ તરત જ, સત્તાવાળાઓએ યાત્રા સ્થગિત કરી દીધી છે. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે અસરગ્રસ્તો અને શ્રદ્ધાળુઓની મદદ માટે પડ્ડરમાં એક કંટ્રોલ રૂમ-કમ-હેલ્પ ડેસ્ક પણ સ્થાપિત કર્યો છે. હાલમાં, ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અવરોધો આવી રહ્યા છે. સત્તાવાળાઓએ લોકોને અપડેટ્સ માટે કંટ્રોલ રૂમના નંબરો પર સંપર્ક કરવા વિનંતી કરી છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
