<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

જેજે હોસ્પિટલનો ક્રાંતિકારી પહેલ: 83 દિવસમાં 101 મફત રોબોટિક સર્જરી!: ઝડપી રિકવરી આપતી રોબોટિક સર્જરી વધુ સચોટ, ઓછી પીડાદાયક

ટેકનોલોજી અને કરુણાનો સંગમ: 500 સર્જરીઓ મફત: મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજના હેઠળ ગરીબ દર્દીઓને મફત સેવાઓ આપવાનું ચાલુ રાખવાનું આયોજન

મુંબઈ : મુંબઈની સરકારી જેજે હોસ્પિટલએ જાહેર આરોગ્ય ક્ષેત્રે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. એપ્રિલમાં શરૂ થયેલી રોબોટિક સર્જરી સુવિધાએ માત્ર 83 દિવસના ટૂંકા ગાળામાં 101 દર્દીઓ પર સફળતાપૂર્વક સર્જરી કરી છે. આ તમામ સર્જરી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે સંપૂર્ણપણે મફત કરવામાં આવી છે, જે ખાનગી હોસ્પિટલોમાં ₹3 થી ₹5 લાખ સુધીનો ખર્ચ ધરાવે છે.

₹32 કરોડના ખર્ચે સ્થાપિત આ અત્યાધુનિક રોબોટિક સિસ્ટમથી દર્દીઓને અનેક ફાયદા થઈ રહ્યા છે. હોસ્પિટલના ડીન ડૉ. અજય ભંડારવારના જણાવ્યા મુજબ, આ રોબોટિક સર્જરી વધુ સચોટ, ઓછી પીડાદાયક અને ઝડપી રિકવરી પૂરી પાડે છે. અત્યાર સુધી પિત્તાશય, હર્નિયા અને સ્વાદુપિંડ જેવી જટિલ સર્જરીઓ માટે તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં યકૃત, કિડની અને ગર્ભાશયની સર્જરી માટે પણ તેનો ઉપયોગ થવાનો છે.

આ પહેલને વધુ પ્રોત્સાહન આપવા માટે, પ્રથમ 500 રોબોટિક સર્જરીનો ખર્ચ રોબોટ સપ્લાય કરતી કંપની ઉઠાવશે. આ પછી પણ, હોસ્પિટલ મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજના હેઠળ ગરીબ દર્દીઓને મફત સેવાઓ આપવાનું ચાલુ રાખવાનું આયોજન ધરાવે છે. જેજે હોસ્પિટલની આ પહેલ ખર્ચાળ ટેકનોલોજીને સામાન્ય લોકો સુધી પહોંચાડીને સ્વાસ્થ્યસંભાળના ક્ષેત્રમાં એક ક્રાંતિ લાવી રહી છે.

 

(9:30 PM IST)