News of Thursday, 14th August 2025
રેણુકાસ્વામી હત્યા કેસ: કન્નડ અભિનેતા દર્શનની સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન રદ થયા બાદ ફરી ધરપકડ: હાઈકોર્ટના નિર્ણયને "અતાર્કિક અને વિકૃત" ગણાવ્યો
લિવ-ઇન પાર્ટનર પવિત્રા ગૌડાની પણ ધરપકડ: પાંચ મહિના જેલમાં રહ્યા બાદ, 13 ડિસેમ્બરે કર્ણાટક હાઈકોર્ટે દર્શનને જામીન આપ્યા હતા, હવે સુપ્રીમ કોર્ટે કર્યા રદ

બેંગલુરુ : કન્નડ અભિનેતા દર્શન માટે કાયદાકીય મુશ્કેલીઓ ફરી વધી છે. રેણુકાસ્વામી હત્યા કેસમાં તેમને કર્ણાટક હાઈકોર્ટ દ્વારા અપાયેલા જામીન સુપ્રીમ કોર્ટે રદ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને "અતાર્કિક અને વિકૃત" ગણાવ્યો હતો. આ નિર્ણયના કલાકો બાદ જ, બેંગલુરુ પોલીસે ફરીથી દર્શન અને તેની લિવ-ઇન પાર્ટનર પવિત્રા ગૌડાની ધરપકડ કરી છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, "કોઈ પણ વ્યક્તિએ એવું ન માનવું જોઈએ કે તે કાયદાથી ઉપર છે." કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, જામીન આપવાથી કેસની ટ્રાયલ પર અસર થઈ શકે છે અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ શકે છે.
આ કેસની શરૂઆત 11 જૂન, 2024ના રોજ થઈ હતી, જ્યારે બેંગલુરુમાં એક નાળામાંથી રેણુકાસ્વામીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે રેણુકાસ્વામીએ અભિનેત્રી પવિત્રા ગૌડાને અશ્લીલ મેસેજ મોકલ્યા હતા, જેનાથી ગુસ્સે થઈને દર્શને પોતાના ચાહકોના એક જૂથને રેણુકાસ્વામીનું અપહરણ કરવા અને તેને "પાઠ ભણાવવા" માટે કહ્યું હતું. ચાર્જશીટ મુજબ, દર્શને પોલીસ કસ્ટડીમાં કબૂલ્યું હતું કે તેણે રેણુકાસ્વામીને ઝાડની ડાળીથી માર માર્યો હતો અને લાત પણ મારી હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.
પાંચ મહિના જેલમાં રહ્યા બાદ, 13 ડિસેમ્બરે કર્ણાટક હાઈકોર્ટે દર્શનને જામીન આપ્યા હતા, જેને હવે સુપ્રીમ કોર્ટે રદ કરી દીધા છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
