<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

ફિલ્મ નિર્માતા અને ભારે વિવાદમાં સપડાયેલા રાજ કુન્દ્રાએ વૃંદાવનમાં જગ પ્રસિદ્ધ આધ્યાત્મિક સંત પ્રેમાનંદ મહારાજને કિડની દાન કરવાની ઓફર કરી: બીજી તરફ મુંબઈમાં ₹ ૬૦ કરોડની છેતરપિંડીનો કેસ દાખલ થયો

પ્રેમાનંદ મહારાજે આ પ્રસ્તાવને સ્વીકારવાની ના પાડી દીધી: તેમણે રાજને કહ્યું, “તમે સ્વસ્થ રહો, તે જ મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે: રાજ કુન્દ્રા અને પત્ની અભિનેત્રી શિલ્પા શેટ્ટી ૬૦ કરોડની છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા છે

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીએ વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન, રાજ કુન્દ્રાએ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહેલા સંતને પોતાની એક કિડની દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. જોકે, મહારાજે આ પ્રસ્તાવ નમ્રતાપૂર્વક નકારી કાઢ્યો. આ ઘટનાના થોડા સમય બાદ, મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ ₹60.4 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ થયો. આ કેસ 'બેસ્ટ ડીલ ટીવી' નામની કંપની સાથે સંકળાયેલો છે. જોકે, શિલ્પાના વકીલે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે આ મામલો પહેલેથી જ ઉકેલાઈ ગયો છે.

 

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રા હાલમાં વૃંદાવનની મુલાકાતે હતા. અહીં તેમણે પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા હતા. આ મુલાકાત દરમિયાન, રાજ કુન્દ્રાએ મહારાજને પોતાની એક કિડની દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાજ કુન્દ્રા સામે પોર્ન ફિલ્મો બનાવવાની પણ ફરિયાદો ઉઠી હતી અને જેલમાં પણ ગયેલા હતા. 

 

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રેમાનંદ મહારાજ ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. રાજ કુન્દ્રાએ જ્યારે તેમના સ્વાસ્થ્ય વિશે જાણ્યું, ત્યારે તેમણે માનવતાના ધોરણે પોતાની કિડની આપવાનો પ્રસ્તાવ મૂક્યો. જોકે, પ્રેમાનંદ મહારાજે આ પ્રસ્તાવને સ્વીકારવાની ના પાડી દીધી. તેમણે રાજને કહ્યું, “તમે સ્વસ્થ રહો, તે જ મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે.”

 

આ સમાચાર ફેલાતા જ મોટી સંખ્યામાં લોકો અને શ્રદ્ધાળુઓ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા હતા. લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જેના કારણે મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

 

બીજી તરફ, આ ઘટનાના થોડા સમય બાદ જ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી માટે એક મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે. મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ₹૬૦ કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ જુહુના રહેવાસી અને 'લોટસ કેપિટલ ફાઈનાન્સિયલ સર્વિસીસ'ના ડિરેક્ટર દીપક કોઠારીએ નોંધાવ્યો છે.

 

કોઠારીએ આરોપ લગાવ્યો છે કે રાજ કુન્દ્રા, શિલ્પા શેટ્ટી અને એક અજાણી વ્યક્તિએ તેમની કંપની 'બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ' દ્વારા છેતરપિંડી કરી છે. આ કંપની હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ તરીકે કામ કરતી હતી, જે હવે બંધ થઈ ગઈ છે. મામલાની ગંભીરતાને જોતા આ કેસ આર્થિક ગુના શાખા ( ઇકોનોમિક ઓફેન્સ વિંગ) ને સોંપવામાં આવ્યો છે.

 

જોકે, આ મામલે શિલ્પા શેટ્ટીના વકીલ પ્રશાંત પાટીલે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું છે કે તેમના ક્લાયન્ટ્સ પર લાગેલા તમામ આરોપો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ મામલાનો ઉકેલ ૪ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ મુંબઈની 'નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ'માં પહેલાથી જ આવી ગયો છે.

(1:32 PM IST)