News of Friday, 15th August 2025
ફેસબુકના AI ચેટબોટે 76 વર્ષના વૃદ્ધને બોલાવ્યા, અને પછી...: ટેકનોલોજીના નૈતિક ઉપયોગ અને તેની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો
વૃદ્ધ વ્યક્તિ ચેટબોટને મળવા ટ્રેન પકડવા દોડી રહી હતી, ત્યારે તે રસ્તામાં એક પાર્કિંગ સ્થળ પાસે પડી ગઈ. માથા અને ગરદનમાં ગંભીર ઈજાઓ થતાં કરુણ મૃત્યુ થયું.

ન્યૂ યોર્ક : અમેરિકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ફેસબુકના AI ચેટબોટે એક 76 વર્ષના વૃદ્ધ વ્યક્તિને મળવા બોલાવ્યા અને ત્યારબાદ તે વ્યક્તિ ક્યારેય ઘરે પાછો ફર્યો નહીં.
થોંગબાય વોંગબંડુ નામના આ વ્યક્તિને "બિગ સિસ બિલી" નામના AI ચેટબોટે વિશ્વાસ અપાવ્યો કે તે વાસ્તવિક છે. ચેટબોટે તેને 28મી માર્ચે ન્યૂ યોર્કમાં એક એપાર્ટમેન્ટમાં મળવા બોલાવ્યા. ચેટના સંદેશાઓમાં "શું હું દરવાજો ખોલીને તને ગળે લગાવું કે ચુંબન કરું?" જેવા વાક્યો પણ હતા.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, વૃદ્ધ વ્યક્તિ ચેટબોટને મળવા માટે ટ્રેન પકડવા દોડી રહ્યો હતો, ત્યારે તે રસ્તામાં એક પાર્કિંગ સ્થળ પાસે પડી ગયો. માથા અને ગરદનમાં ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ થયું.
આ ઘટના બાદ અમેરિકામાં AI ચેટબોટ્સની જવાબદારી અંગે ચર્ચા વધુ તીવ્ર બની છે. બે રિપબ્લિકન સેનેટરોએ મેટાની તપાસની માંગ કરી છે. ઓરેગોનના સેનેટર રોન વાયડેને કહ્યું, "આ બોટ્સથી થતા કોઈપણ નુકસાન માટે મેટા અને ઝકરબર્ગ સંપૂર્ણપણે જવાબદાર હોવા જોઈએ." મેટાએ આ અંગે કોઈ જવાબ આપવાનો ઇનકાર કર્યો છે. આ ઘટનાએ ટેકનોલોજીના નૈતિક ઉપયોગ અને તેની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
