હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉજ્જૈનમાં 115 વર્ષથી અનોખી પરંપરા : ગોપાલ મંદિરમાં કૃષ્ણ જન્મ પછી પાંચ દિવસ સુધી શયન આરતી થતી નથી
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉજ્જૈનના ગોપાલ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીમાં જોડાયા : બાળ ગોપાલની બાળલીલાઓને વાત્સલ્ય ભાવથી ઉજવવામાં આવે છે

ઉજ્જૈન: ભગવાન શ્રીકૃષ્ણ સાથે ઊંડો સંબંધ ધરાવતા ઉજ્જૈન શહેરમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. બ્રજ ભૂમિ બાદ શ્રીકૃષ્ણએ તેમનો લાંબો સમય ઉજ્જૈનમાં ગુજાર્યો હતો, જ્યાં તેમણે શિક્ષણ અને દીક્ષા મેળવી હતી. આ જ કારણોસર, અહીંના પ્રસિદ્ધ ગોપાલ મંદિરમાં છેલ્લા 115 વર્ષથી એક અનોખી પરંપરા ચાલી રહી છે, જે આ વર્ષે પણ જાળવવામાં આવી છે. આ પરંપરા અનુસાર, ભાદરવા વદ આઠમે કૃષ્ણ જન્મ પછી પાંચ દિવસ સુધી મંદિરમાં શયન આરતી થતી નથી.
વાત્સલ્ય ભાવથી બાળ ગોપાલની સેવા:
મંદિરના પૂજારીઓના જણાવ્યા મુજબ, બાળકનો જન્મ થાય ત્યારે તેના ઊંઘવા-જાગવાનો સમય નક્કી હોતો નથી. આ પરંપરા પાછળનો હેતુ એ જ છે કે આ પાંચ દિવસ સુધી ભગવાનને બાળક માનીને તેમની બાળ ભાવથી સેવા કરવામાં આવે છે. આજના દિવસે ગોપાલ મંદિરમાં મધ્યરાત્રિએ 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવ્યો, જેના માટે મંદિરને આકર્ષક રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિરના સભા મંડપમાં માતા યશોદાના ખોળામાં બાળ ગોપાલની મનમોહક ઝાંખી પણ શણગારવામાં આવી હતી.
પાંચ દિવસની ઉજવણી:
જન્મ બાદના પાંચ દિવસ સુધી ભગવાનને બાળક તરીકે રમકડાંથી રમાડવામાં આવે છે અને તેમનો લાડ-પ્યાર કરવામાં આવે છે. એવી માન્યતા છે કે બછબારસ (દ્વાદશી તિથિ)ના દિવસે ભગવાન મોટા થાય છે અને માખણ-મટકી ફોડવાની બાળલીલા કરે છે. આ દિવસે મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર માખણ-મટકી બાંધવામાં આવે છે, જેને બાળકો દ્વારા ફોડવામાં આવે છે. ત્યાર બાદ બપોરે 12 વાગ્યે આરતી કરીને ભગવાનને માખણ-મિસરીનો ભોગ લગાવવામાં આવે છે અને શયન આરતી કરીને આ પાંચ દિવસની અનોખી પરંપરાનું સમાપન થાય છે.
આ ભવ્ય આયોજનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ ગોપાલ મંદિર પહોંચીને ભગવાન દ્વારકાધીશના દર્શન અને આશીર્વાદ લીધા હતા. જન્માષ્ટમીના આ પાવન પર્વ નિમિત્તે સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં ભક્તો કૃષ્ણભક્તિમાં લીન થઈને ભજનો પર ઝૂમતા જોવા મળ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
