News of Sunday, 17th August 2025
ભોપાલના કટનીની અર્ચના તિવારી રહસ્યમય સંજોગોમાં ગુમ
અર્ચના ચાલતી ટ્રેનમાંથી ગુમ 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તેનો પતો મળ્યો નથીઃ અર્ચના તિવારીની શોધ માટે GM રેલવે દ્વારા GRPના SHO અને SPને ઓલ ઇન્ડિયા સર્ચ ઓર્ડર પણ જારી કરવામાં આવ્યોઃ અર્ચના ઇન્દોરમાં રહીને સિવિલ જજની તૈયારી કરી રહી હતી

મુંબઇઃ ભોપાલના કટનીની રહેવાસી અર્ચના તિવારી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયા બાદ તેને શોધવા માટે હવે તપાસ એક ગંભીર દિશામાં આગળ વધી છે. બુધની ટ્રેકના મિડઘાટ વિસ્તારમાં આવેલા ગાઢ જંગલમાં અર્ચનાની શોધ માટે પોલીસે ઝુંબેશ તેજ કરી છે.
પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ છે કે જ્યાં શોધખોળ ચાલી રહી છે, તે વિસ્તાર ટાઈગરની મૂવમેન્ટ માટે જાણીતો છે. છેલ્લા બે દિવસમાં વાઘે સ્થાનિક ગ્રામિણો પર બે વાર હુમલો કર્યો છે, જેના કારણે સ્થિતી વધુ જોખમભરી બની છે.
GRPના 18 પોલીસકર્મી અને વરિષ્ઠ અધિકારીઓ આ જંગલ વિસ્તારમાં શોધખોળ કરી રહ્યા છે, તેમજ વન વિભાગની ટીમ પણ અર્ચનાની શોધમાં જોડાઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ વિસ્તાર ખૂબ જ દુર્ગમ છે, અને ટાઈગરના ખતરા તેમજ અડચણોને ધ્યાનમાં રાખીને ટીમ ખૂબ સાવધાનીપૂર્વક આગળ વધી રહી છે. કટની GRPની ટીમ પણ ભોપાલ પહોંચી ગઈ છે અને સમગ્ર ઓપરેશનમાં સામેલ થઈ ગઈ છે.
અર્ચનાની શોધ માટે હવે પોલીસ નવી રણનીતિ પર કામ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ટાઈગરની હાજરીને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા સાથે ટીમને જંગલમાં મોકલવામાં આવી છે. હાલ સુધીમાં અર્ચનાનો કોઈ પતો લાગ્યો નથી, પરંતુ પોલીસ અને વન વિભાગનું સંયુક્ત શોધ અભિયાન ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે, "નવી વ્યૂહરચના હેઠળ ટૂંક સમયમાં ફરી એકવાર વિશાળ સ્તરે શોધખોળ શરૂ કરવામાં આવશે."
અર્ચના તિવારીની શોધ માટે GM રેલવે દ્વારા GRPના SHO અને SPને ઓલ ઇન્ડિયા સર્ચ ઓર્ડર પણ જારી કરવામાં આવ્યો છે. અર્ચના ચાલતી ટ્રેનમાંથી ગુમ થઈ ગઈ હતી. 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તેનો પતો મળ્યો નથી
અર્ચના કટનીની રહેવાસી છે અને ઇન્દોરમાં રહીને સિવિલ જજની તૈયારી કરી રહી હતી. તેમના પરિવારજનો ભોપાલ પહોંચ્યા હતા અને GRP થાણામાં ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનો એ આશંકા વ્યક્ત કરી છે કે ક્યાંક અર્ચના સાથે કોઈ દુર્ઘટના તો નથી થઈ ગઈ?
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
