<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th August 2025

ઝારખંડ પોલીસની મોટી સફળતા: ખુંટી અને લાતેહારમાંથી 6 આતંકવાદીઓની ધરપકડ, અનેક હથિયારો જપ્ત

ઝારખંડ પોલીસની આ કાર્યવાહીથી આતંકવાદી સંગઠનોને લાગ્યો મોટો ઝટકો: રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બની

રાંચી : ઝારખંડ પોલીસે આજે, સોમવારે, બે અલગ-અલગ અભિયાનોમાં બે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના કુલ 6 સક્રિય સભ્યોની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. ખુંટી જિલ્લામાં પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PLFI) ના 4 આતંકવાદીઓને પકડવામાં આવ્યા, જ્યારે લાતેહારમાં ઝારખંડ જન મુક્તિ પરિષદ (JJMP) ના 2 સભ્યો જેલભેગા થયા.
 
ખુંટી: PLFI ના આતંકવાદીઓ પકડાયા
ખુંટી પોલીસને બાતમી મળી હતી કે PLFI નો હિસ્ટ્રીશીટર ઓઝા પહાન તેના સાથીઓ સાથે રાણીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોન્ટ્રાક્ટરો અને વેપારીઓ પાસેથી પૈસા પડાવીને આતંક ફેલાવવાની યોજના બનાવી રહ્યો છે. આ માહિતીના આધારે, SDPO ટોરપાના નેતૃત્વમાં એક વિશેષ ટીમે દરોડો પાડીને ઓઝા પહાન, ઝેવિયર કોંગડી, સંતોષ કોંગડી અને જિબનુસ આઈંદ ઉર્ફે દધીયાલની ધરપકડ કરી.

તેમની પાસેથી 7.65 એમએમની પિસ્તોલ, જીવતા કારતૂસ, મોબાઈલ ફોન અને પેટ્રોલ ભરેલી બોટલો સહિતનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આ આતંકવાદીઓએ તાજેતરમાં રોડ રોલરને આગ લગાડવા જેવી અનેક ઘટનાઓમાં ભાગ લીધો હતો.
 
લાતેહાર: JJMP ના બે સભ્યોની ધરપકડ
આ જ રીતે, લાતેહાર પોલીસને પણ બાતમી મળી હતી કે JJMP ના બે સક્રિય આતંકવાદીઓ અમીન અંસારી અને કૃષ્ણા સાહુ આ વિસ્તારમાં સક્રિય છે. SDPO અરવિંદ કુમારના નેતૃત્વ હેઠળની ટીમે ઓપરેશન પાર પાડીને બંનેની ધરપકડ કરી. બંનેએ અનેક ઘટનાઓમાં તેમની સંડોવણી હોવાનું સ્વીકાર્યું છે.

ઝારખંડ પોલીસની આ કાર્યવાહીથી આતંકવાદી સંગઠનોને મોટો ઝટકો લાગ્યો છે અને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બની છે.

 

(10:04 PM IST)