<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th August 2025

ચીન કેમ બચી ગયું અને ભારતના માથે કેમ ફૂટ્યું રશિયન ઓઇલના ટેરિફનું ઠિકરું

ખુદ અમેરિકા વિદેશ મંત્રીએ જણાવી દીધી આખી વાત

વોશિંગ્ટન, તા.૧૮ :અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું છે કે, અમેરિકાએ રશિયાના સૌથી મોટા ઓઇલ ખરીદદાર ચીન પર કોઈપણ પ્રકારના સેકન્ડરી સેક્ન્શન્સ કેમ નથી લગાવ્યા, જ્યારે તેનાથી વિપરીત ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. સાથે જ તેમાં મોસ્કો સાથે નવી દિલ્હીના ટ્રેડ પર ૨૫ ટકા ડ્યુટી પણ સામેલ છે. રૂબિયોના જણાવ્યા અનુસાર, બીજિંગ જે રશિયન ઓઇલ ખરીદી રહ્યું છે, તેનો મોટોભાગ રીફાઇન્ડ કરીને ગ્લોબલ માર્કેટમાં વેચવામાં આવી રહ્યી છે. તેમણે કહ્યું કે, ચીન પર કોઈપણ વધારાનો પ્રતિબંધ ગ્લોબલ એનર્જી પ્રાઇસ વધારી શકે છે. રવિવારે ફોક્સ બિઝનેસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રૂબિયોએ કહ્યું કે, *જો તમે ચીન જઈ રહેલા અને રીફાઇન્ડ કરવામાં આવતા ઓઇલ તરફ નજર નાંખો, તો તેમાંથી ઘણું બધું ઓઇલ યુરોપમાં વેચવામાં આવી રહ્યું છે. યુરોપ હજી પણ નેચરલ ગેસ ખરીદી રહ્યું છે. હવે કેટલાક દેશો તેનાથી પોતાને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ યુરોપ પોતાના પ્રતિબંધો સાથે સંબંધિત વધુ પણ કરી શકે છે.*

તેમણે ચેતવણી આપી કે ચીની રિફાઇનરીઓ પર પ્રતિબંધ લગાવવાથી ગ્લોબલ ઓઇલ પ્રાઇસ પર વિનાશકારી પરિણામો થશે અને કહ્યું કે, *જો કોઈ દેશ પર તમે સેકન્ડરી સેક્ન્શન્સ લગાવો છો- માની લો કે તમે ચીનને રશિયન રશિયન ઓઈલના વેચાણ પર રોક લગાવો છો- તો ચીન માત્ર તે ઓઈલને રિફાઇન કરે છે. ત્યારબાદ તે ઓઈલને ગ્લોબલ માર્કેટમાં વેચવામાં આવે છે, અને જે કોઈપણ તે ઓઈલને ખરીદે છે, તેણે તેની માટે વધુ ચૂકવણી કરવી પડશે કે પછી જો તે ઉપલબ્ધ નથી, તો તેણે તેની માટે કોઈ વૈકલ્પિક સ્ત્રોત શોધવો પડશે.*

માર્કો રૂબિયોએ કહ્યું કે ચીનથી રશિયન ઓઇલ ખરીદનાર યુરોપિયન દેશ પહેલાંથી જ બીજિંગ વિરૂદ્ધ કોઈપણ દંડાત્મક કાર્યવાહી પર પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે, *અમે સાંભળ્યું છે કે, જ્યારે તમે પ્રસ્તાવિત સેનેટ બિલ વિશે વાત કરો છો- જેમાં ચીન અને ભારત પર ૧૦૦ ટકા ટેરિફ હતો- અમે ઘણા યુરોપિયન દેશો તરફથી સાંભળ્યું છે- પ્રેસ રિલીઝમાં નહીં, પરંતુ અમે તેને સાંભળ્યું છે કે તેના શું અર્થ હોઈ શકે છે, આ અંગે કેટલીક ચિંતાઓ છે.*

રશિયા પાસેથી ઓઇલ અને ગેસ ખરીદવાનું ચાલુ રાખવા બદલ યુરોપ પર પ્રતિબંધ લગાવવા અંગે વિચ કરવામાં આવી રહ્યો છે કે કેમ, તેના વિશેના એક સવાલના જવાબમાં માર્કો રૂબિયોએ કહ્યું કે, *મને સીધી રીતે યુરોપ પર તેના વિશે (પ્રતિબંધો) નથી ખબર, પરંતુ સેકન્ડરી સેક્ન્શન્સ લાગી શકે છે.* તેમણે વધુમાં કહ્યું કે, તેઓ આ મામલે યુરોપિયન દેશો સાથે કોઈપણ પ્રકારના વિવાદમાં નથી પડવા માંગતા. તેમણે કહ્યું, *મને લાગે છે કે આપણે ત્યાં સુધી પહોંચવામાં મદદ કરવા માટે એક મહત્વની ભૂમિકા ભજવી શકીએ છીએ.*

(11:12 PM IST)