<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

મુંબઈમાં ધોધમાર વરસાદઃ આજે પણ એલર્ટ જાહેરઃ મીઠી નદીના જળસ્‍તરમાં વધારોઃ અનેક લોકોનું સ્‍થળાંતર

 

મુંબઈઃ મંગળવારે પણ ભારે વરસાદ યથાવત્‌ રહ્યો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે મીઠી નદીનું જળસ્‍તર ભયજનક સપાટીએ પહોંચી ગયું હતું. જેના પરિણામે, કુર્લાના નીચાણવાળા વિસ્‍તારોમાંથી આશરે ૩૫૦ જેટલા લોકોને સુરક્ષિત સ્‍થળે ખસેડવામાં આવ્‍યા છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્‍થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

મંગળવારે મુંબઈમાં સવારથી જ ભારે વરસાદ શરૂ થયો હતો. સવારે ૪ વાગ્‍યાથી મોડી રાત સુધીમાં શહેરમાં ૮ થી ૯ ઇંચ વધુ વરસાદ નોંધાયો હતો, જ્‍યારે ઉપનગરોમાં વરસાદની તીવ્રતા વધુ રહી હતી. આ ભારે વરસાદને કારણે, મીઠી નદીનું જળસ્‍તર અચાનક વધીને ૩.૯ મીટર સુધી પહોંચી ગયું હતું.

આ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને, બીએમસી દ્વારા કુર્લાના ક્રાંતિ નગરના નીચાણવાળા વિસ્‍તારોમાં રહેતા આશરે ૩૫૦ જેટલા લોકોને તાત્‍કાલિક સલામત સ્‍થળે ખસેડવામાં આવ્‍યા હતા. આ તમામ લોકોને બીએમસી સંચાલિત મગનલાલ માથુરામ મ્‍યુનિસિપલ સ્‍કૂલમાં કામચલાઉ આશ્રય આપવામાં આવ્‍યો છે.

મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસે એક્‍સ (અગાઉ ટ્‍વિટર) પર પોસ્‍ટ કરીને જણાવ્‍યું હતું કે તેઓ પરિસ્‍થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. મ્‍યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાની પણ પરિસ્‍થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (આઈ એમ ડી) એ પણ મુંબઈ માટે રેડ એલર્ટ જારી કર્યું હતું, જે દર્શાવે છે કે શહેરમાં અત્‍યંત ભારે વરસાદ થવાની આજે પણ પૂરી સંભાવના છે.(૪૦.૪)

(9:52 AM IST)