તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
GST 2.Oથી અર્થતંત્રને નવી ગતિ મળશે S & P ગ્લોબલ રેટિંગ્સે સકારાત્મક મુલ્યાંકન આપ્યું
અમને નથી લાગતું કે સરકાર એટલા મોટા પાયે ફેરફાર કરશે કે તેનાથી તેની નાણાકીય આવકને નુકસાન થાયઃ ડિરેક્ટર યિફાર્ન ફુઆએ નવી જીએસટી પોલીસીને સરળ ગણાવી

નવી દિલ્હી,તા.૨૦: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વતંત્રતા દિવસના ભાષણમાં જાહેર કરાયેલા જી.એસ.ટી. સુધારાઓ અંગે ક્રેડિટ રેટિંગ એજન્સી એસ.એન્ડ.પી. ગ્લોબલ રેટિંગ્સ એ સકારાત્મક મૂલ્યાંકન આપ્યું છે. એજન્સીના વિશ્લેષકોના મતે, જી.એસ.ટી.ની પ્રસ્તાવિત બે-સ્તરીય સિસ્ટમ (જી.એસ.ટી. ૨.૦) કર પ્રણાલીને સરળ બનાવશે અને ભવિષ્યમાં સરકારની નાણાકીય આવકમાં વધારો કરવામાં મદદ કરશે.
એક વેબિનાર દરમિયાન એસ.એન્ડ.પી.ના વિશ્લેષકે જણાવ્યું કે, હાલની જી.એસ.ટી. સિસ્ટમ ચાર અલગ અલગ કરના દરો સાથે ખૂબ જટિલ છે, જે એકાઉન્ટિંગ અને અમલીકરણને મુશ્કેલ બનાવે છે. જોકે, તેમણે નવા સુધારાઓથી રાજકોષીય આવક પર થનારી અસર અંગે હાલ મૂલ્યાંકન કરવું વહેલું ગણાવ્યું. એસ.એન્ડ.પી. ગ્લોબલ રેટિંગ્સના ડિરેક્ટર યિફાર્ન ફુઆએ જણાવ્યું, અમને નથી લાગતું કે સરકાર એટલા મોટા પાયે ફેરફાર કરશે કે તેનાથી તેની નાણાકીય આવકને નુકસાન થાય.
પીએમ મોદીએ નવા સુધારાઓની કરી જાહેરાત વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે જી.એસ.ટી.ના દરોને તર્કસંગત બનાવવાના સુધારાઓની જાહેરાત કરી હતી. તેમણે લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં કહ્યું હતું કે, અમે રાજ્યો સાથે ચર્ચા કરી છે. અમે આગામી પેઢીના જી.એસ.ટી. સુધારા લાવી રહ્યા છીએ, જેનાથી દેશભરમાં કરનો બોજ ઓછો થશે. સામાન્ય માણસ માટે રોજિંદી ચીજવસ્તુઓ પરના કરમાં નોંધપાત્ર ઘટાડો થશે.
વધુમાં તેમણે જણાવ્યું કે આ સુધારાથી એમ.એસ.એમ.ઈ. (માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝ) અને નાના ઉદ્યોગસાહસિકોને મોટો ફાયદો થશે, અને આનાથી દેશના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે.
ભારતનું રેટિંગ અપગ્રેડ એસ.એન્ડ.પી. ગ્લોબલ રેટિંગ્સે ૧૪ ઓગસ્ટે ભારતનું સોવરિન ક્રેડિટ રેટિંગ ૧૮ વર્ષના લાંબા ગાળા બાદ બી.બી.બી.થી વધારીને બી.બી.બી. કર્યું હતું. આ અપગ્રેડ ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા, સતત નાણાકીય એકત્રીકરણ અને સુવ્યવસ્થિત જાહેર ખર્ચને કારણે થયું છે. આ અપગ્રેડ સાથે, ભારતનું રેટિંગ મેક્સિકો, ઇન્ડોનેશિયા અને ગ્રીસ જેવા દેશોની સમકક્ષ આવી ગયું છે.
ભવિષ્યમાં અપેક્ષાઓઃ એસ. એન્ડ.પી. ગ્લોબલ રેટિંગ્સ માને છે કે સરકારી નીતિઓ માળખાગત સુવિધાઓ અને ઉડ્ડયન જેવા નવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આગામી ૫ વર્ષમાં ખાનગી મૂડી ખર્ચ બમણો થશે. એજન્સીએ એમ પણ કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.) નજીકના ભવિષ્યમાં ઉત્પાદકતામાં સુધારો કરે તેવી શકયતા છે, જોકે તે અમુક પ્રકારની નોકરીઓમાં ઘટાડો પણ કરી શકે છે. એસ.એન્ડ.પી. એ ભાર મૂકયો કે ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો કોઈ એક ઘટનાને કારણે નહીં, પરંતુ છેલ્લા દાયકામાં થયેલા આર્થિક પરિબળોને કારણે થયો છે.(૪૦.૧૩)
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
