તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
પવિત્ર શ્રાવણી સોમવારે શિવવંદના ટ્રસ્ટ દ્વારા વિજયભાઇના અસ્થિનું માનસરોવરમાં વિસર્જન

રાજકોટઃ ગુજરાતના લોકલાડીલા અને સંવેદનશીલ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણીના અસ્થિનું હરદ્વાર બાદ વિશ્વના સૌથી વધુ પવિત્ર અને મહાદેવના નિવાસ સ્થાન કૈલાસ ક્ષેત્રમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાય હોલીડેઝના માધ્યમથી સ્વ. વિજયભાઇ રૂપાણીના અસ્થિનું વિધિ વિધાન સાથે શિવમ ગોસ્વામી અને ૧૨૫ કૈલાસ યાત્રિકો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. યશવંત ગોસ્વામી જણાવે છે કે જૈન હોવા છતાં મહાદેવમાં અખૂટ શ્રધ્ધા અને વિશ્વાસ ધરાવતા વિજયભાઇ રૂપાણી અને અંજલીબેન રૂપાણીની અનેક સ્મૃતિઓ શિવનંદના ટ્રસ્ટ સાથે જોડાયેલી છે. વર્ષ ૨૦૧૪-૧૫ ટ્રસ્ટ દ્વારા માનસરોવર કિનારે વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી બને એ માટે ખાસ યજ્ઞ-પૂજા કરવામાં આવેલ. ત્યારબાદ ૨૦૧૬ થી ૨૦૨૧ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા. એક પ્રસંગને યાદ કરવા ડો. ગોસ્વામી જણાવે છે કે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ એક જ મહિનામાં ગાંધીનગરથી રાત્રે ૧૧ વાગ્યે મુખ્યમંત્રીનો ફોન આવ્યો અને મારી સાથે કૈલાસ યાત્રાની સબસીડી બાબતે ૧૫ મિનિટ વાત કરી આ બાબતે ટ્રસ્ટના આવેદન પત્ર અને સંપૂર્ણ માહિતી સાથે ગાંધીનગર આવવા જણાવ્યું ત્યારબાદ મુખ્યમંત્રીના પ્રયત્નોથી કૈલાસ યાત્રિકોની સબસીડી રૂા.૨૦ હજારથી ૫૦ હજાર થઇ. કૈલાસ યાત્રામાં જયારે વીઝાના પ્રશ્નો આવ્યા ત્યારે પણ તેઓએ તત્કાલ મદદ કરેલી. શ્રાવણના પ્રથમ સોમવારે સ્વ. વિજયભાઇ રૂપાણીને અંજલી આપવા સાથે એમના આત્માની શાંતિ માટે માનસરોવર કિનારે ખાસ પૂજા અને યજ્ઞની સાથે એમના અસ્થિનું માનસરોવરમાં વિસર્જન સૌરાષ્ટ્ર ગુજરાતના ૧૦૦ થી વધુ યાત્રિકો દ્વારા કરવામાં આવેલ.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
