તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સ્થાપિત ક્ષમતામાં દેશમાં પ્રથમ ક્રમે
રાજ્યમાં ૨,૨૦,૫૦૪ મેગાવોટ વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સંભાવનાઃ પરિમલભાઈ નથવાણીને રાજ્યસભામાં પ્રત્યુતર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: કુલ ૩૮,૨૧૯.૧૮ મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે, ગુજરાત દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં સ્થાપિત ક્ષમતાની દૃષ્ટીએ પહેલા ક્રમે છે. આમાં સૌથી મોટો હિસ્સો સૌર ઉર્જાનો ૨૧,૯૦૪.૫૫ મેગાવોટ, ત્યારબાદ પવન ઉર્જાનો ૧૪,૦૮૧.૪૮ મેગાવોટ અને બાકીનો હિસ્સો મોટા અને નાના હાઇડ્રો પાવર તથા બાયો-પાવરનો છે. આ ઉપરાંત, ગુજરાતમાં ૨,૨૦,૫૦૪.૫૧ મેગાવોટ વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સંભવના રહેલી છે, જેમાં સૌથી વધુ સંભાવના ૧,૮૦,૭૯૦ મેગાવોટ પવન ઉર્જાની, ત્યારબાદ ૩૫,૭૭૦ મેગાવોટ સૌર ઉર્જાની છે. આ માહિતી કેન્દ્રીય ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી અને પાવર રાજ્ય મંત્રી શ્રી શ્રીપદ યેસ્સો નાઈક દ્વારા ૧૯ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.
મંત્રીના નિવેદન અનુસાર, ૩૧ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાની કુલ સ્થાપિત ક્ષમતા ૨,૩૭,૪૯૧.૦૮ મેગાવોટ હતી. છેલ્લા ત્રણ વર્ષમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે વીજ ઉત્પાદન મામલે ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતે ૨૦૨૨-૨૩માં કુલ ૩૫,૮૯૫.૭૭ મિલિયન યુનિટ્સ, ૨૦૨૩-૨૪માં ૪૩,૦૩૯.૫૫ MUs અને ૨૦૨૪-૨૫માં ૫૨,૦૦૨.૫૦ MUsનું ઉત્પાદન કર્યું હતું. ૨૦૨૪-૨૫માં ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રોમાં કુલ વીજ ઉત્પાદન ૪,૦૩,૬૪૩.૧૭ MUs હતું.
મંત્રીએ એ પણ જણાવ્યું કે, યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જના સચિવાલયમાં ભારત દ્વારા સબમિટ કરાયેલા રાષ્ટ્રીયસ્તર પર નિર્ધારીત યોગદાનના ભાગ રૂપે, ભારતે ૨૦૩૦ સુધીમાં ગૈર-અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા સંસાધનોમાંથી ૫૦% સંચિત વિદ્યુત સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાનું વચન આપ્યું છે. ભારતે જૂન, ૨૦૨૫ દરમિયાન તેના સંચિત વિદ્યુતની ૫૦% ક્ષમતા ગૈર-અશ્મિભૂત ઇંધણ આધારિતસ્ત્રોતોમાંથી મેળવવાનું આ લક્ષ્ય આપણા વૈશ્વિક વચન કરતાં પાંચ વર્ષ વહેલું જ હાંસલ કરી લીધું છે.
વધુમાં, COP૨૬માં માનનીય વડાપ્રધાનની જાહેરાતને અનુરૂપ, મંત્રાલય ૨૦૩૦ સુધીમાં ગૈર-અશ્મિભૂત ઇંધણસ્ત્રોતોમાંથી ૫૦૦ GWની સ્થાપિત વીજળી ક્ષમતા હાંસલ કરવા તરફ પણ કામ કરી રહ્યું છે. નિવેદનમાં જણાવાયું છે કે, ૩૧.૦૭.૨૦૨૫ સુધીમાં, દેશમાં કુલ ૨૪૬.૨૮ GW ગૈર-અશ્મિભૂત ઇંધણ આધારિત વીજળી ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે.
રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા અન્ય પ્રશ્નના જવાબમાં, ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી અને પાવરના રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ અને ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, ૦૧.૦૪.૨૦૨૦ થી ૩૧.૦૩.૨૦૨૫ સુધીના સમયગાળામાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં આશરે ૧૨,૬૭૪ મિલિયન યુ.એસ. ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મળ્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ રોકાણમાં સૌર ઉર્જા મુખ્ય ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે આ સમયગાળામાં દેશના પヘમિ પ્રદેશને fdi નો સૌથી વધુ હિસ્સો મળ્યો છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
