હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શિક્ષણના કાર્યક્રમો પાછળ કરોડોનો ખર્ચ છતાં સાક્ષરતા દરમાં ગુજરાત પાછળ
ગુજરાતનો સાક્ષરતા દર ૮૪.૬ ટકા સામે અનેક રાજ્યનો ૯૦ ટકાથી વધુ

નવી દિલ્હી તા.૨૧: ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવથી લઇને કન્યા કેળવણી સુધીના અનેક કાર્યક્રમો વર્ષોથી ચાલી રહ્યા છે તેમ છતાં રાજ્યનો સાક્ષરતા દર અનેક રાજ્ય કરતા ઘણો પાછળ છે. દેશના અનેક રાજ્યમાં સાક્ષરતા દર ૯૦ ટકાથી વધુ છે ત્યારે ગુજરાતમાં ફક્ત ૮૪.૬ ટકા દર છે. દેશના અનેક રાજ્યનું બજેટ ગુજરાત જેટલું પણ નથી ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગના વહીવટકર્તાની ક્ષમતા ઉપર સવાલ ઉઠી રહ્યા છે.
ગુજરાતના તમામ સરકારી વિભાગ કરતા શિક્ષણ વિભાગનું બજેટ સૌથી વધુ છે પરંતુ દેશના રાજ્યમાં સાક્ષરતા દરમાં ગુજરાત નંબર વન નથી. દાયકાઓથી પ્રયાસ છતાં મંત્રીઓ-અધિકારીઓ સાક્ષરતા દર સો ટકાથી નજીક લાવવા કેમ સફળ ન થયા તેની સમીક્ષા કરીને આ દિશામાં નવેસરથી વ્યૂહ રચના ઘડવાની જરૂર હોવાનું આંકડા કહી રહ્યા છે. લોકસભામાં ૨૦ ઓગસ્ટે રાજ્યોના સાક્ષરતા દર અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં આંકડાશાષ અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે આ માહિતી આપી છે. જેમાં પીરીયોડિક લેબર ફોર્સ સર્વે દ્વારા ૭ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વ્યક્તિઓનો જુલાઈ-૨૦૨૩થી જૂન-૨૦૨૪ સુધીના સમયગાળાના અહેવાલમાં રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોને આવરી લઈને આંકડા અપાયા છે.
નવાઈની વાત એ છે કે આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, ઓરિસ્સા, ગોવા સહિતના અનેક રાજ્ય ગુજરાત કરતા નાના છે તેમ છતાં તેમનો સાક્ષરતા દર વધુ છે. તો કેરળમાં ૯૫.૩ જેટલા ઉંચા સાક્ષરતા દરથી ગુજરાત ૧૦ ટકા જેટલું પાછળ છે. તાજેતરમાં ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ પણ ઉંચો હોવાની વિગત બહાર આવી હતી. જેમાં અન્ય અનેક રાજ્ય ગુજરાત કરતા આગળ હતા. ગુજરાતમાં કરોડોના ખર્ચે સ્માર્ટ ક્લાસ, સ્કૂલ ઓફ એક્સલન્સ જેવા અનેક કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે.
ગુજરાત અને અન્ય રાજ્યોનો સાક્ષરતા દર
ગુજરાત ૮૪.૬ ટકા
મિઝોરમ ૯૮.૨ ટકા
ગોવા ૯૩.૬ ટકા
કેરળ ૯૫.૩ ટકા
મણિપુર ૯૨.૦ ટકા
મેઘાલય ૯૪.૨ ટકા
નાગાલેન્ડ ૯૫.૭ ટકા
ત્રિપુરા ૯૩.૭
ચંદીગઢ ૯૩.૭ ટકા
લક્ષદ્વીપ ૯૭.૩ ટકા
પુડ્ડચેરી ૯૨.૭ ટકા
મહારાષ્ટ્ર ૮૭.૩ ટકા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
