<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્‍યા બાદ આજે પણ ઉગ્ર વિરોધ

પોલીસે ૫૦ લોકોથી વધુની કરી અટકાયત : વાલીઓ અને NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે

અમદાવાદ, તા.૨૧: શહેરની સેવન્‍થ ડે સ્‍કૂલમાં વિદ્યાર્થીની હત્‍યા બાદ ભારે રોષ ફાટી નીકળ્‍યો છે. આજે મણિનગર, કાંકરિયા અને ઇસનપુર બંધનું એલાન આપવામાં આવ્‍યું છે. સિંધી બજાર આખું બંધ રાખવામાં આવ્‍યું છે. શાળાની બહાર મોટી સંખ્‍યામાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વાલીઓ અને NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે આજે ફરીથી લોકોના ટોળા અને પોલીસ વચ્‍ચે ઘર્ષણ થયું હતું. તો બીજી બાજુ સેવન્‍થ ડે સ્‍કૂલના એડમિને ખોખરા પોલીસ સ્‍ટેશનમાં ૫૦૦થી વધારે લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.

વિદ્યાર્થીની હત્‍યા બાદ વાલીઓ સહિતના તમામ લોકોમાં ભારે આક્રોશ વ્‍યક્‍ત કરવામાં આવી રહ્યો છે. શહેરની બહાર મોટી સંખ્‍યામાં લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. આ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.આઈ - ડિવિઝન, એસીપી, કળણાલ દેસાઈએ આ અંગે માહિતી આપતા જણાવ્‍યું છે કે, NSUIના ૫૦થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પૂરતો પોલીસ બંદોબસ્‍ત સ્‍કૂલમાં રાખવામાં આવ્‍યો છે. કોઈ અફવામાં ન આવે, પોલીસ સોશિયલ મીડિયામાં ધ્‍યાન રાખી રહી છે. અત્‍યાર સુધીમાં કુલ બે ફરિયાદ નોંધાઈ છે. એક વિદ્યાર્થીની હત્‍યા મામલે અને બીજી ફરિયાદ ગઈકાલે શાળામાં જે તોડફોડ થઈ હતી તે મામલે. સ્‍કૂલ પ્રશાસન દ્વારા તોડફોડમાં અંદાજે ૧૨ લાખનું નુકસાન થયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. મારામારી અને તોડફોડ અંગે ૪૦૦થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે.

સ્‍કૂલના એડમિન મયુરિકા પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્‍યું છે કે, ટોળાએ શાળાની ઓફિસ, ક્‍લાસરૂમ અને બસના કાચ તોડીને આશરે રૂપિયા ૧૨ લાખનું નુકસાન પહોંચાડ્‍યું છે. આ ઉપરાંત, ટોળાએ સ્‍કૂલ સ્‍ટાફ સાથે મારામારી પણ કરી હતી. પોલીસની હાજરીમાં આ તોડફોડ થઈ હોવાનું પણ જણાવાયું છે. પોલીસે રાયોટિંગ, મારામારી અને નુકસાન પહોંચાડવાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ ઉપરાંત વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્‍તારોમાં શાળા બંધ અને વિસ્‍તાર બંધનું એલાન પણ અપાયું છે. આને કારણે સમગ્ર વિસ્‍તારમાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. સેવન્‍થ ડે સ્‍કૂલની આસપાસ અને ૫૦૦ મીટર દૂર સુધી પોલીસ તહેનાત છે. બંધના એલાનને સારો -તિસાદ મળ્‍યો છે, જેમાં સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ રહી છે અને મણિનગર, ખોખરા, ઇસનપુર વિસ્‍તારની ૨૦૦ જેટલી શાળાઓ બંધમાં જોડાઈ છે. (રર.૨૪)

(3:08 PM IST)