<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

અમેરિકાનો ભારત પર ફરી આરોપ: રશિયન તેલ ખરીદી બંધ કરવા વળી પાછી ધમકી આપી: ચીન પાસે નતમસ્તકે

અમેરિકાના ટ્રમ્પ વહીવટે ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને યુક્રેન યુદ્ધ લંબાવવાનો ફરી એક વાર આરોપ લગાવ્યો છે. વ્હાઇટ હાઉસના સલાહકાર પીટર નવારોએ ભારતની તેલ ખરીદીને "નફાખોરી" ગણાવી, જે રશિયાને હથિયાર બનાવવામાં મદદ કરે છે. અમેરિકાએ ભારતીય માલ પર વધારાનો ૨૫% ટેરિફ લગાવ્યો છે. જોકે, અમેરિકન મીડિયાએ આ તર્કને નકાર્યો, કારણ કે ચીન ભારત કરતાં વધુ રશિયન તેલ ખરીદે છે, પરંતુ તેની સામે કાર્યવાહી થતી નથી, અમેરિકાના આર્થિક હિતોને લઈને ચીન વિરુદ્ધ પગલાં લેવાની હિંમત પણ નથી. વોશિંગ્ટન: અમેરિકાના ટ્રમ્પ વહીવટે ભારત પર રશિયા-યુક્રેન યુદ્ધ લંબાવવાનો ફરી એકવાર આરોપ લગાવ્યો છે. વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોએ ગુરુવારે જણાવ્યું કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને તેને રિફાઇન કરે છે અને નફો કમાય છે, જે રશિયાને હથિયાર બનાવવામાં મદદ કરે છે. આનાથી યુક્રેનમાં હત્યાઓ વધે છે અને અમેરિકન કરદાતાઓએ વધુ સૈન્ય સહાય આપવી પડે છે. નવારોએ આને "રિફાઇનિંગ પ્રોફિટિયરિંગ સ્કીમ" ગણાવી અને ભારતીય માલ પર વધુ ૨૫% ટેરિફ લગાવવાની જાહેરાત કરી.

નવારોએ કહ્યું, "શાંતિનો રસ્તો ભારત થઈને જાય છે. હું ભારતને પ્રેમ કરું છું, પરંતુ તેણે વૈશ્વિક અર્થતંત્ર પર પોતાની અસર જોવી જોઈએ." જોકે, અમેરિકન મીડિયા અને વિશ્લેષકોએ આ તર્કને નકાર્યો, એમ કહીને કે ચીન રશિયા પાસેથી ભારત કરતાં ઘણું વધુ તેલ ખરીદે છે, પરંતુ અમેરિકા તેની સામે ચૂપ છે. ટીકાકારોએ યાદ અપાવ્યું કે, ૨૦૨૨માં યુક્રેન યુદ્ધ બાદ અમેરિકાએ જ વૈશ્વિક તેલની કિંમતો સ્થિર રાખવા ભારતને રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપી હતી.

ભારતના વિદેશ મંત્રાલયે આ ટેરિફને "અન્યાયી" ગણાવ્યા છે. ભારત જી સેવન ની કિંમત મર્યાદાનું પાલન કરે છે અને રશિયન તેલ ડિસ્કાઉન્ટ પર ખરીદે છે, જેનાથી ભારતીય કંપનીઓને અબજો ડોલરની બચત થઈ છે. રશિયા હાલમાં ભારતના તેલ આયાતનો 35% હિસ્સો ધરાવે છે. ભારતે પોતાના આર્થિક હિતો અને રશિયા સાથેના લાંબા ગાળાના સંબંધોને ધ્યાનમાં રાખીને અમેરિકન દબાણનો સામનો કરવાની તૈયારી બતાવી છે.

(9:36 AM IST)