<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

એનઆરઆઇ ઉદ્યોગપતિ લોર્ડ સ્‍વરાજ પોલનું અવસાન

૯૪ વર્ષની વયે લંડનમાં અંતિમ શ્વાસ લીધા

 

લંડન તા.૨૨: પ્રખ્‍યાત એનઆરઆઇ ઉદ્યોગપતિ લોર્ડ સ્‍વરાજ પોલનું ગુરુવારે સાંજે લંડનમાં અવસાન થયું. તેમના મૃત્‍યુની માહિતી પરિવારના સૂત્રોએ આપી. તેઓ ૯૪ વર્ષના હતા. યુકે સ્‍થિત કેપારો ગ્રુપ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝના સ્‍થાપક લોર્ડ પોલ તાજેતરમાં બીમાર પડ્‍યા હતા અને તેમને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા, જ્‍યાં તેમણે પરિવારના સભ્‍યોની હાજરીમાં અંતિમ શ્વાસ લીધા હતા.

હાઉસ ઓફ લોર્ડ્‍સના સભ્‍ય સ્‍વરાજ પોલનો જન્‍મ જલંધરમાં થયો હતો અને તેઓ ૧૯૬૦ના દાયકામાં તેમની નાની પુત્રી અંબિકાના કેન્‍સરની સારવાર માટે બ્રિટન આવ્‍યા હતા. અંબિકાનું માત્ર ૪ વર્ષની ઉંમરે અવસાન થયા પછી, તેમણે 'અંબિકા પોલ ફાઉન્‍ડેશન'ની સ્‍થાપના કરી, જેણે વિશ્વભરના બાળકો અને યુવાનો માટે શિક્ષણ અને આરોગ્‍ય યોજનાઓ માટે લાખો પાઉન્‍ડનું દાન કર્યું.

લોર્ડ પોલે ગયા મહિને લંડનમાં અંબિકા પોલ ચિલ્‍ડ્રન્‍સ ઝૂ ખાતે આયોજિત વાર્ષિક કાર્યક્રમમાં કહ્યું હતું કે, લંડન પ્રાણી સંગ્રહાલય એ સ્‍થળ છે જ્‍યાં તે હંમેશા સૌથી ખુશ રહેતી હતી. તે ફાઉન્‍ડેશનનો મુખ્‍ય લાભાર્થી રહ્યો છે. ૨૦૧૫માં પુત્ર અંગદ પોલ અને ૨૦૨૨માં પત્‍ની અરુણાના અવસાન પછી, તેમણે તેમની યાદમાં ઘણા સેવા કાર્યો પણ કર્યા.

ફેબ્રુઆરી ૨૦૨૩માં લંડનના ઐતિહાસિક ઇન્‍ડિયન જીમખાના ક્‍લબ ખાતે લેડી અરુણા સ્‍વરાજ પોલ હોલનું ઉદ્ધાટન કરતી વખતે, લોર્ડ પોલે કહ્યું, 'આ હોલ મારી પત્‍નીને સમર્પિત છે, જેમને હું ખૂબ યાદ કરું છું. અમારા ૬૫ વર્ષના લગ્નજીવનમાં ક્‍યારેય ઝઘડો પણ થયો નથી.'

લોર્ડ પોલ દર વર્ષે સન્‍ડે ટાઇમ્‍સ રિચ લિસ્‍ટમાં સામેલ હતા. આ વર્ષે પણ તેઓ ૨ અબજ પાઉન્‍ડ (લગભગ ૨૧ હજાર કરોડ રૂપિયા) ની કુલ સંપત્તિ સાથે ૮૧મા ક્રમે હતા. તેમની મોટાભાગની સંપત્તિ સ્‍ટીલ અને એન્‍જિનિયરિંગ બહુરાષ્ટ્રીય કંપની કેપારો ગ્રુપ સાથે જોડાયેલી હતી. તેનું મુખ્‍ય મથક લંડનમાં છે અને યુકે, ઉત્તર અમેરિકા, ભારત અને મધ્‍ય પૂર્વમાં તેના ૪૦ થી વધુ કેન્‍દ્રો છે. તેમના પુત્ર આકાશ પોલ કેપારો ઇન્‍ડિયાના ચેરમેન અને કેપારો ગ્રુપના ડિરેક્‍ટર છે.(૩૮.૬)

(9:59 AM IST)