<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ: વધુ બે સરકારી કર્મચારીઓ બરતરફ

જમ્મુ: લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે બે સરકારી કર્મચારીઓને બરતરફ કર્યા છે, જેમના પર આતંકવાદીઓ સાથે સંબંધ હોવાનો આરોપ છે. બરતરફ કરાયેલા કર્મચારીઓમાં કુપવાડાના રહેવાસી શિક્ષક ખુર્શીદ અહેમદ રાથર અને પશુપાલન વિભાગના સિયાદ અહેમદ ખાનનો સમાવેશ થાય છે.

 

આરોપો અનુસાર, ખુર્શીદ અને સિયાદ લશ્કર-એ-તૈયબા માટે કામ કરી રહ્યા હતા. ખુર્શીદ અહેમદ રાથરને ૨૦૦૩માં શિક્ષણ વિભાગમાં રહેબર-એ-તાલીમ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ૨૦૦૮માં તેમને કાયમી શિક્ષક બનાવવામાં આવ્યા હતા. જાન્યુઆરી ૨૦૨૪માં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જેલમાં બંધ છે. જ્યારે સિયાદ અહેમદ ખાન પશુપાલન વિભાગમાં આસિસ્ટન્ટ સ્ટોકમેન તરીકે ફરજ બજાવતા હતા.

 

 

પોલીસ રેકોર્ડ મુજબ, ખુર્શીદ અહેમદને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના "ઓવર ગ્રાઉન્ડ વર્કર" તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારી હોવા છતાં, તેણે દેશ સાથે વિશ્વાસઘાત કર્યો અને ગુપ્ત રીતે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય થઈ ગયો. ખુર્શીદે રાજ્યને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશથી આતંકવાદી નેટવર્કમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

(4:44 PM IST)