News of Saturday, 23rd August 2025
હવે ઓનલાઇન ગેમિંગ બિલ બન્યું કાયદોઃ રાષ્ટ્રપતિ મૂર્મુએ આપી મંજૂરી

નવી દિલ્હી તા.૨૩: ઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકતા બિલને સંસદની મંજૂરી બાદ હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એ પણ લીલીઝંડી આપી દીધી છે, જેના પછી હવે તે કાયદો બની ગયો છે. આ કાયદા હેઠળ બધી ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને આવી રમતો પૂરી પાડનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.જણાવી દઈએ કે, વિવિધ ઓનલાઇન સટ્ટાબાજી એપ્સના આશરે ૨૨ કરોડ ભારતીય યુઝર્સ છે, જે પૈકી ૧૧ કરોડ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે. એક અંદાજ મુજબ, દર વર્ષે ૪૫ કરોડ લોકો આ ઓનલાઇન મની ગેમ્સના ચક્કરમાં ફસાઈને ૨૦ હજાર કરોડથી વધારે રકમ ગુમાવે છે.
રાષ્ટ્રપતિની મંજૂરી સાથે જ હવે આ કાયદો બની ગયો છે અને તેની જોગવાઈઓ લાગૂ થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમોશન એન્ડ રેગુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ બિલ ૨૦ ઓગસ્ટના રોજ લોકસભા અને ૨૧ ઓગસ્ટના રોજ રાજ્યસભામાં પસાર થયું હતું. બંને ગૃહોમાં આ બિલ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યું હતું.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
