<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ઐતિહાસિક પ્રયોગ: હવે ફક્ત ટિકિટવાળા મુસાફરોને જ પ્રવેશ, તહેવારોમાં ભીડને કાબૂમાં લેવાનો માસ્ટર પ્લાન!

ટીકીટ નહીં તો પ્રવેશ નહીં!: અનારક્ષિત ટિકિટ પર પણ મર્યાદા: જો આ પ્રયોગ સફળ થશે, તો તે તહેવારો અને રજાઓ દરમિયાન ટ્રેનોમાં થતી અંધાધૂંધીને કરશે ઓછી

નવી દિલ્હી : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભારે ભીડને કાબૂમાં લેવા અને મુસાફરોની સુરક્ષા વધારવા માટે રેલવેએ એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી ફક્ત માન્ય ટિકિટ ધરાવતા મુસાફરોને જ સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આ એક મોટો પ્રયોગ છે જે એક મહિના સુધી ચાલશે અને જો સફળ થશે તો તેને દેશભરના સ્ટેશનો પર લાગુ કરવામાં આવશે.

આ નિર્ણય ફેબ્રુઆરી મહિનામાં નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલા અકસ્માત બાદ લેવામાં આવ્યો છે, જ્યાં ભારે ભીડના કારણે અંધાધૂંધી સર્જાઈ હતી. ઉત્તર રેલવેના સીપીઆરઓ હિમાંશુ શેખરના જણાવ્યા મુજબ, અનારક્ષિત (unreserved) કોચમાં ભીડને નિયંત્રિત કરવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે.

આ નવા નિયમ ઉપરાંત, રેલવેએ અનારક્ષિત ટિકિટો પર પણ મર્યાદા લાદી છે. અત્યાર સુધી, લોકો કાઉન્ટર કે મોબાઈલ એપથી ગમે તેટલી અનારક્ષિત ટિકિટો ખરીદી શકતા હતા, જેના કારણે ૮૦ મુસાફરોની ક્ષમતાવાળા કોચમાં ૩૦૦ થી ૪૦૦ લોકો મુસાફરી કરતા હતા. આનાથી ખાસ કરીને તહેવારોના સમયે ભારે મુશ્કેલી થતી હતી.

નવી યોજના હેઠળ, દરેક અનારક્ષિત કોચ માટે ફક્ત ૧૫૦ ટિકિટો જારી કરવામાં આવશે. આ નિયમ આગામી ત્રણ કલાકમાં ઉપડનારી ટ્રેનો પર લાગુ થશે. મધ્યવર્તી સ્ટેશનો પર ફક્ત ૨૦ ટકા વધારાની ટિકિટ ઉપલબ્ધ રહેશે. આનાથી મુસાફરોને સરળતાથી સીટ મળશે અને તેમની મુસાફરી વધુ સુરક્ષિત અને આરામદાયક બનશે.

જો આ પ્રયોગ સફળ થશે, તો તે તહેવારો અને રજાઓ દરમિયાન ટ્રેનોમાં થતી અંધાધૂંધીને મોટા પાયે ઓછી કરશે. રેલવેનું આ પગલું મુસાફરો માટે મોટી રાહત સાબિત થશે અને ભારતની રેલવે પ્રણાલીને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદ કરશે.

 

(10:43 PM IST)