News of Monday, 25th August 2025
GSTમાં ફેરફારથી સરકારને ૪૦ હજાર કરોડનું નુકસાન થશે
GST કાઉન્સિલની ૫૬મી બેઠક ૩-૪ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાશે. : દશેરા આસપાસ લાગુ થઈ શકે છે નવા GST રેટ્સઃ GSTમાં હશે ૫,૧૮ અને ૪૦%ના ૩ સ્લેબ

નવી દિલ્હી,તા.૨૫: જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠક આગામી ૩ અને ૪ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાશે. આ પહેલા ૨ સપ્ટેમ્બરના રોજ જીએસટી સેક્રેટેરીયટ અધિકારીઓની બેઠક થશે. અને જો બધી પ્રક્રિયાઓ સમય પર પૂરી થઈ જશે તો દશેરા સુધીમાં જીએસટી રીફોર્મ લાગુ પડશે.
કેન્દ્ર સરકાર વસ્તુ અને સેવા કરમાં મોટા ફેરફાર કરવાનો વિચાર કરી રહી છે. જેનાથી લગભગ ૪૦૦૦૦ કરોડ રૂપિયાનું સરકારને નુકસાન થશે તેવી આશંકા છે. નાણાં મંત્રાલય અનુસાર જીએસટીની નવી સંરચનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારની આવક પર અસર પડશે. જીએસટી સચિવાલયના અધિકારીઓની ફિટમેન્ટ કમિટીએ આ નુકસાનનું એક માળખું તૈયાર કર્યું છે.
નવી જીએસટી સિસ્ટમમાં કર પ્રણાલીને સરળ બનાવવા માટે બે દર ૫% અને ૧૮% લાગુ કરવાનો પ્રસ્તાવ છે. ઉપરાંત સિગારેટ અને તમાકુ જેવા ‘સિન ગૂડ્સ' પર ૪૦% જીએસટી વસૂલવામાં આવશે. આ ઉપરાંત તાજેતરના પ્રતિબંધોને લીધે કેન્દ્રને ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પરથી જીએસટી અને ટીડીએસ કલેક્શનમાં લગભગ ૨૦૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે.
મોટાભાગની સેવાઓમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં પરંતુ સામાન્ય લોકોને રાહત આપવા માટે હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પરનો જીએસટી દૂર કરવાનો પ્રસ્તાવ છે. સરકારને આશા છે કે હાલની જીએસટી સિસ્ટમમાં ફેરફારને કારણે આવકનું આ નુકસાન કામચલાઉ રહેશે અને ગ્રાહક ખર્ચમાં વધારો કરીને તેની ભરપાઈ કરવામાં આવશે.
જીએસટી કાઉન્સિલની ૫૬ મી બેઠક ૩ અને ૪ સપ્ટેમ્બરના રોજ નવી દિલહઓમાં થશે. આ પહેલા ૨ સપ્ટેમ્બરના જીએસટી સેક્રેટેરિયેટના અધિકારીઓની બેઠક થશે.
ઉલ્લેખનીય છે કે ૨૦-૨૧ ઓગસ્ટના રોજ દિલ્હીમાં યોજાયેલી ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GoM) ની બેઠકમાં ૧૨% અને ૨૮% જીએસટી સ્લેબને રદ્દ કરવા માટેના કેન્દ્રના પ્રસતાવને મંજૂરી મળી ગઈ છે. નરેન્દ્રભાઈએ ૧૫ ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર રાષ્ટ્રને સંબોધન કરતી કહ્યું હતું કે, સરકાર આવનારી પેઢી માટે જીએસટી સુધારા લાવશે જેમાં સામાન્ય માણસ પર કરનો બોજો ઓછો હશે. આ સરકારની તરફથી દેશવાસીઓને દિવાળીની ભેટ હશે.'(૪૦.૧૦)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
