<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

આજથી પોસ્‍ટ દ્વારા અમેરિકા પાર્સલ નહીં મોકલી શકાય

જોકે લેટર, દસ્‍તાવેજો અને ૧૦૦ યુએસ ડોલર સુધીની ગિફટ અમેરિકા મોકલી શકાશે

 

નવી દિલ્‍હી,તા.૨૫: ડિપાર્ટમેન્‍ટ ઓફ પોસ્‍ટ દ્વારા અમેરિકા માટેની મોટાભાગની ઈન્‍ટરનેશનલ પોસ્‍ટલ સર્વિસિસને   આજથી  અટકાવી દેવામાં આવશે. યુએસ ગવર્મેન્‍ટ દ્વારા કસ્‍ટમ્‍સ ડ્‍યૂટીને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્‍યો છે જોકે, આ રોક કામચલાઉ છે, પરંતુ પોસ્‍ટલ સર્વિસ ક્‍યારથી શરૂ થશે તેની કોઈ ચોખવટ હાલ નથી કરાઈ. અત્‍યારસુધી અમેરિકા મોકલાતી ૮૦૦ ડોલર સુધીની વસ્‍તુઓ પર કોઈ પ્રકારની ડ્‍યૂટી નહોતી લાગતી પરંતુ યુએસ ગવર્મેન્‍ટે જુલાઈ ૩૦, ૨૦૨૫ના રોજ એક એક્‍ઝિક્‍યુટિવ ઓર્ડર અમલમાં મૂકી આ છૂટને પાછી ખેંચી લીધી હતી. જેના કારણે ઓગસ્‍ટ ૨૯થી અમેરિકામાં દાખલ થતી દરેક વસ્‍તુ પર ઈન્‍ટરનેશનલ ઈમરજન્‍સી ઈકોનોમિક પાવર એક્‍ટ ટેરિફ ફ્રેમવર્ક હેઠળ કસ્‍ટમ્‍સ ડ્‍યૂટી ભરવી પડશે, ૧૦૦ ડોલર સુધીની ગિફટ આઈટમ્‍સ પર કોઈ ડ્‍યૂટી નહીં વસૂલાય.

નવા ઓર્ડર અંતર્ગત યુએસ કસ્‍ટમ્‍સ એન્‍ડ બોર્ડર પ્રોટેક્‍શન એટલે કે સીબીપી દ્વારા માન્‍યતા પ્રાપ્ત ટ્રાન્‍સપોર્ટ કેરિયર્સ કે પછી અન્‍ય ક્‍વોલિફાઈડ પાર્ટીઓએ પોસ્‍ટલ શિપમેન્‍ટ પર ડ્‍યૂટી કલેક્‍ટ કરવી પડશે અને તેને જમા પણ કરાવવી પડશે. જેમાં ક્‍વોલિફાઈડ પાર્ટીની ઓળખ કરવા ઉપરાંત ડ્‍યૂટી કલેક્‍શન મિકેનિઝમને સેટ કરવાની સૌથી મહત્‍વની પ્રક્રિયા હજુય પેન્‍ડિંગ છે. અમેરિકા તરફથી આ અંગે હજુ સુધી કોઈ ચોખવટ નથી કરાઈ તેવામાં ઓગસ્‍ટ ૨૯થી જે નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે તેના કારણે ઉભી થયેલી અસમંજસ વચ્‍ચે યુએસ જતા એર કેરિયર્સે ઓપરેશનલ અને ટેકનિકલ બાબતોનો હવાલો આપતા એવું જણાવ્‍યું છે કે તેઓ આજ પછી પોસ્‍ટલ કન્‍સાઈન્‍મેન્‍ટને અમેરિકા નહીં લઈ જઈ શકે.

તેના લીધે ભારતીય ટપાલ ખાતાએ પણ એવી જાહેરાત કરી છે કે તે અમેરિકા મોકલવાના માત્ર લેટર્સ, ડોક્‍યુમેન્‍ટ્‍સ અને ૧૦૦ ડોલર સુધીની વેલ્‍યૂ ધરાવતી ગિફટ આઈટમ્‍સ જ એક્‍સેપ્‍ટ કરશે અને તેની જ ડિલિવરી થશે. જ્‍યારે અન્‍ય પ્રકારની વસ્‍તુઓ સ્‍વીકારવાનું આગામી જાહેરાત સુધી બંધ રહેશે. બીજી તરફ જે કસ્‍ટમર્સે આ જાહેરાત પહેલા જ પાર્સલ બુક કરાવી દીધા છે તેની ડિલિવરી હાલ પૂરતી નહીં થઈ શકે અને આવા કસ્‍ટમર્સ રિફંડ માટે એપ્‍લાય કરી શકે છે.

અમેરિકામાં લાખો ઈન્‍ડિયન્‍સ રહે છે અને ઈન્‍ડિયાથી રોજના હજારો પાર્સલ્‍સ અમેરિકા જાય છે. આવી વસ્‍તુઓની વેલ્‍યૂ પણ મોટાભાગે ૮૦૦ ડોલર જેટલી ના હોવાથી અત્‍યારસુધી તેમને અમેરિકા મોકલવામાં કોઈ પ્રોબ્‍લેમ નહોતો આવતો પરંતુ ટ્રમ્‍પ એડમિનિસ્‍ટ્રેશને નિયમમાં ફેરફાર કરતા આ મામલે સ્‍પષ્ટતા ના થાય ત્‍યાં સુધી ઈન્‍ડિયાથી અમેરિકા જતા પાર્સલ્‍સ અટવાઈ જશે, માત્ર પોસ્‍ટલ વિભાગ જ નહીં પરંતુ પ્રાઈવેટ કુરિયર કંપનીઓ પણ નિયમો અને સિસ્‍ટમ્‍સ અંગે સ્‍પષ્ટતા ના થાય ત્‍યાં સુધી અમેરિકા પાર્સલ નહીં મોકલી શકે. ઉલ્‍લેખનીય છે કે, અમેરિકાએ ઈન્‍ડિયાથી ઈમ્‍પોર્ટ થતા માલ-સામાન પર પણ ટોટલ ૫૦ ટકા ટેરિફ નાખ્‍યો છે અને તેનો અમલ ૨ દિવસ પછી ૨૭ ઓગસ્‍ટ શરૂ થઈ જવાનો છે, તેવામાં ઈન્‍ડિયાથી યુએસ જતા પાર્સલ્‍સ પર તે અનુસાર વધારાની ડ્‍યૂટી પણ વસૂલાઈ શકે છે.

વ્‍હાઈટ હાઉસે આ અંગે જણાવ્‍યું હતું કે ૮૦૦ ડોલર સુધીની ડ્‍યૂટી ફ્રી લિમિટનો મોટાપાયે દુરુપયોગ થતો હતો અને નશીલા પદાર્થો પણ પોસ્‍ટમાં અમેરિકા મોકલવામાં આવતા હતા. જોકે, એક્‍સપર્ટ્‍સનું માનવું છે કે અમેરિકાના આ નિર્ણયની સૌથી વધુ અસર ગ્‍લોબલ ઈ-કોમર્સ માર્કેટ પર પડશે અને ૮૦૦ ડોલરથી ઓછી કિંમતનો સામાન અમેરિકા મોકલતા ઈન્‍ડિયા સહિતના દેશોના એક્‍સપોર્ટર્સને તેને લીધે મોટું નુક્‍સાન સહન કરવું પડશે નવી સિસ્‍ટમ્‍સ લાગુ થઈ જશે ત્‍યારબાદ જે દેશ પર જેટલો ટેરિફ હશે તે અનુસાર ત્‍યાંથી આવતા પાર્સલ્‍સ પર ડ્‍યૂટી લેવામાં આવી શકે છે, જે ૮૦-૨૦૦ ડોલરના ફલેટ રેટ અનુસાર પણ હોઈ શકે છે.(૪૦.૭)

(10:06 AM IST)