News of Monday, 25th August 2025
અમેરિકા ટેરિફના પ્રતિભાવમાં ‘વોકલ ફોર લોકલ'!! જન આંદોલન બનાવાશે
ભારતમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અભિયાન શરૂ : ભાજપ અને આરએસએસ દેશમાં સ્વદેશી જાગરણ અભિયાન ચલાવશે

નવી દિલ્હી,તા૨૫: ભારતમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે એક મોટું પગલું ભરતા, ભારતીય જનતા પાર્ટી ટૂંક સમયમાં સ્વદેશી જાગરણ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે મળીને આ અભિયાન ચલાવવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય ‘વોકલ ફોર લોકલ' ને રાષ્ટ્રીય સ્તરે એક જન આંદોલન બનાવવાનો છે.
આ અભિયાનનો હેતુ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા, વિદેશી આયાત પર નિર્ભરતા ઘટાડવા અને ભારતને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો છે. યુએસ ટેરિફમાં તાજેતરના વધારાને કારણે આ પગલું વધુ મહત્વપૂર્ણ બન્યું છે. ૧૯-૨૦ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ આરએસએસ વડા મોહન ભાગવતની અધ્યક્ષતામાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં આ અભિયાનની વ્યૂહરચના નક્કી કરવામાં આવી હતી. આ બેઠકમાં RSS ના છ સંગઠનોએ ભાગ લીધો હતો, અને બધાએ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ અભિયાનને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવાનો નિર્ણય ભાજપના મહાસચિવોની બેઠકમાં પણ લેવામાં આવ્યો હતો, જેમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેની રૂપરેખા પર ચર્ચા કરી હતી. આ અભિયાન મહાત્મા ગાંધીના સ્વદેશી ચળવળ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ' મંત્રથી પ્રેરિત છે.
ભાજપ અને આરએસએસના કાર્યકરો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવશે, જેમાં લોકોને સ્વદેશી ઉત્પાદનોના ફાયદા અને તેમની ગુણવત્તા વિશે જણાવવામાં આવશે. આ અભિયાન ડિજિટલ અને પરંપરાગત માધ્યમો દ્વારા પણ ચલાવવામાં આવશે. સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને મધ્યમ ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે ખાસ યોજનાઓ અને તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. સ્વદેશી જાગરણ મંચ, ભારતીય મઝદૂર સંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અન્ય સંગઠનો આ અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવશે. આ સંગઠનો સ્થાનિક સ્તરે વર્કશોપ, પ્રદર્શનો અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરશે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
