News of Wednesday, 27th August 2025
પરિવારને કહ્યા વિના લવ મેરેજ કર્યા, પાંચ મહિનામાં પતિ ફરાર
ફેસબુક પર થયેલો પ્રેમ દગાબાજ નીકળ્યો

કન્નોજ,તા.૨૭: ઉત્તર પ્રદેશના કન્નૌજમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ફેસબુકથી શરુ થયેલી દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને પછી લગ્ન સુધી વાત પહોંચી ગઈ. અહીં સુધી તો બધું બરાબર હતું, પણ એક દિવસ ફેસબુક પર થયેલો પ્રેમ દગો આપશે, તેવું આ છોકરીએ પણ નહીં વિચાર્યું હોય. પતિ રસ્તા વચ્ચે છોડીને ભાગી ગયો.
આ છોકરી સાથે સાસરિયાવાળા કે પિયરવાળા કોઈ નથી. આ ઘટના ઈન્દરગઢ વિસ્તારની છે, હવે પોલીસ અધિકારીઓ પાસે ન્યાય માટે ભટકી રહી છે. આ છોકરીની કહાની સાંભળી સૌ કોઈ ઈમોશનલ થઈ રહ્યા છે.
આ મામલો કન્નોજના ઈન્દરગઢ વિસ્તારનો છે. અહીંની એક યુવતીને ફેસબુક પર એક યુવક સાથે દોસ્તી થઈ હતી. આ દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા. સાત ફેરા લઈ બંનેએ સાથે જીવવા-મરવાની કસમો ખાધી. પણ આ ખુશી લાંબો સમય ચાલી નહીં. લગ્નના ફક્ત પાંચ મહિના બાદ પતિએ પોતાની પત્નીને રેલવે સ્ટેશન પર છોડી દીધી અને અચાનક ગાયબ થઈ ગયો. ત્યાર બાદ તે ઘરે પાછો આવ્યો નથી.
પતિ ગાયબ થયા બાદ યુવતીને સાસરિયાવાળાએ ઘરમાંથી કાઢી મુકી. જ્યારે તે પિયરમાં ગઈ તો ત્યાં પણ રાખવા તૈયાર નથી. પરિવાર અને સમાજથી તરછોડાયેલી આ છોકરી હવે રસ્તા પર આવી ગઈ છે. તે ક્યારેય અધિકારીઓની ઓફિસમાં ધક્કા ખાય છે, તો ક્યારેક રસ્તા પર ભૂખી તરસી આંસૂ વહાવે છે.
પીડિતાએ રડતા રડતા જણાવ્યું કે મેં પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. મારી ભૂલ એટલી જ હતી. આજે મારુ બધું જ છીનવાઈ ગયું. મારો પતિ, મારુ ઘર, મારી ઈજ્જત. હું પોલીસ પાસે ન્યાય માગવા જાવ છું. પણ પોલીસવાળા ગંદી ગંદી ગાળો આપીને ભગાડી દે છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે તેના પતિને તેના સાસરિયાવાળાઓએ ક્યાંક ગાયબ કરી દીધો છે. પણ તેનો કોઈ પુરાવો મળતો નથી.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
