<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

અખંડ ભારતમાં ૪૦,૦૦૦ વર્ષથી રહેતા લોકોના ડીએનએ એકસમાન છે

RSSનો ઉદ્દેશ્‍ય દેશને વિશ્વગુરુ બનાવવાનોઃ વિશ્વમાં ભારતના યોગદાનનો સમય આવી ગયો છેઃ ભાગવતજી કેટલાક લોકો જાણે છે, પણ પોતાને હિન્‍દુ તરીકે સ્‍વીકારતા નથી

નવી દિલ્‍હી,તા.૨૭ : રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ (આરએસએસ) વડા મોહન ભાગવતજીએ જણાવ્‍યું હતું કે અખંડ ભારતમાં ૪૦,૦૦૦ વર્ષથી રહેતા લોકોના ડીએનએ એક સમાન છે. પ્રાચીનકાળની પૂર્વજોની સામાન્‍ય પરંપરાઓ અખંડ ભારતના લોકોને એકબીજા સાથે જોડે છે. કેટલાક લોકો જાણે છે, પણ પોતાને હિન્‍દુ તરીકે સ્‍વીકારતા નથી

નવી દિલ્‍હીમાં વિજ્ઞાન ભવનમાં ‘આરએસએસની ૧૦૦ વર્ષની યાત્રા નવા ક્ષિતિજ' વિષય પર આયોજિત કાર્યક્રમમાં જીવનના વિવિધ ક્ષેત્રોની હસ્‍તીઓને સંબોધન કરતાં તેમણે ભૂગોળ અને પરંપરાઓની વ્‍યાપક રૂપરેખામાં હિન્‍દુઓને વ્‍યાખ્‍યાયિત કર્યા હતાં અને જણાવ્‍યું હતું કે કેટલાક લોકો જાણે છે પણ પોતાને હિન્‍દુ તરીકે સ્‍વીકારતા નથી, જ્‍યારે કેટલાંક અન્‍ય લોકો તે જાણતા નથી. આ વિષયવસ્‍તુ ભૌગોલિક નથી, તેમાં ભારત માતા પ્રત્‍યેની ભક્‍તિ છે અને પૂર્વજોની પરંપરા છે, જે બધા માટે સામાન્‍ય છે. આપણા ડીએનએ પણ એકસમાન છે. સુમેળમાં રહેવું એ આપણી સંસ્‍કૃતિ છે.

હિન્‍દુ રાષ્ટ્રવાદી સંગઠનના વડાએ જણાવ્‍યું હતું કે ભારત આઝાદીના ૭૫ વર્ષમાં ઇચ્‍છિત દરજ્‍જો મેળવી શક્‍યું નથી. RSSનો ઉદ્દેશ્‍ય દેશને વિશ્વગુરુ બનાવવાનો છે અને વિશ્વમાં ભારતના યોગદાનનો સમય આવી ગયો છે.

દેશના ઉદય માટે સામાજિક પરિવર્તનની જરૂરિયાત પર ભાર કરતાં તેમણે જણાવ્‍યું હતું કે જો આપણે દેશનો વિકાસ કરવો હોય, તો તે કોઈના પર કામ છોડી દેવાથી નહીં થાય. દરેક વ્‍યક્‍તિની ભૂમિકા હશે. આ પ્રક્રિયામાં રાજકીય નેતાઓ, સરકારો અને રાજકીય પક્ષોની ભૂમિકા મદદ કરવાની છે. પરંતુ મુખ્‍ય કારણ સમાજનું પરિવર્તન અને તેની ક્રમશ પ્રગતિ હશે.

તેમણે જણાવ્‍યું હતું કે પ્રાચીન કાળથી ભારતીયોએ ક્‍યારેય લોકોમાં ભેદભાવ કર્યો નથી, કારણ કે તેઓ માનતા હતા કે દરેક વ્‍યક્‍તિ અને વિશ્વ એક જ દિવ્‍યતાથી બંધાયેલા છે. હિન્‍દુ શબ્‍દનો ઉપયોગ બહારના લોકો ભારતીયો માટે કરતાં હતાં. હિન્‍દુઓ પોતાના માર્ગ પર ચાલવામાં અને બીજાઓનો આદર કરવામાં માને છે.(૪૦.૧૪)

(9:53 AM IST)