News of Wednesday, 27th August 2025
બોલિવૂડ ગાયક રાહુલ ફાઝિલપુરિયાની હત્યા કરવા માટે આવેલા ૫ શૂટર્સની ધરપકડ
ગુરુગ્રામ એસટીએફ અને ક્રાઈમ બ્રાન્ચ સાથેના એનકાઉન્ટર દરમિયાન પાંચમાંથી ચાર બદમાશોને પગમાં ગોળી વાગી હતી

ગુરૂગ્રામ, તા.૨૭: ગુરુગ્રામ એસટીએફ અને ક્રાઈમ બ્રાન્ચે એન્કાઉન્ટર બાદ ૫ શાર્પ શૂટર્સની ધરપકડ કરી હતી. એવો આરોપ છે કે આ શૂટર્સ ગાયક રાહુલ ફાઝિલપુરિયાની હત્યા કરવા માટે ગુરુગ્રામ આવ્યા હતા. બધા વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરો સાથે સતત સંપર્કમાં હતા. એસટીએફને તેમના વિશે ઇનપુટ મળ્યું હતું. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી. પાંચેય શૂટર્સ નંબર પ્લેટ વગરની ઇનોવા કારમાં સવાર હતા.
એનકાઉન્ટર દરમિયાન, પાંચમાંથી ચાર બદમાશોને પગમાં ગોળી વાગી હતી. મળતી માહિતી મુજબ, ગુરુગ્રામના સેક્ટર-૯૩માં મોડી રાત્રે તેમનું પોલીસ સાથે એન્કાઉન્ટર થયું હતું. આરોપીઓની ઓળખ વિનોદ ઉર્ફે પહેલવાન પુત્ર રાજપાલ નિવાસી લોહા મઝરા ઝજ્જર, પદમ ઉર્ફે રાજા પુત્ર સાહિબ સિંહ ગામ લોહા મઝરા ઝજ્જર, આશિષ ઉર્ફે આશુ પુત્ર શ્રી દેવ ગામ જિલ્લા સોનીપત, ગૌતમ ઉર્ફે ગોગી પુત્ર અમન સિંહ વાશી દિપાલપુર સોનીપત અને શુભમ ઉર્ફે કાલા પુત્ર રોહતાસ ગામ જાજલ જિલ્લા સોનીપત તરીકે થઈ છે.
ગાયક રાહુલ યાદવ ઉર્ફે સિંગર ફાઝિલપુરિયા પર ૧૪ જુલાઈ ૨૦૨૫ ના રોજ હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં સધર્ન પેરિફેરલ રોડ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તે બચી ગયો હતો. આ કેસમાં, આરોપીનું એન્કાઉન્ટર ગુરુગ્રામમાં થયું છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પાંચેય શૂટર વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર દીપક નંદલ અને રોહિત સિરધાનિયા માટે કામ કરી રહ્યા હતા.
પોલીસને માહિતી મળી હતી કે વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર દીપક નંદલ અને રોહિત સિરધાનિયા રાહુલની હત્યાના કાવતરાને અંજામ આપવા જઈ રહ્યા છે. આ માહિતીના આધારે, ગુરુગ્રામ એસટીએફના તમામ અધિકારીઓ અને ગુરુગ્રામ પોલીસના અડધો ડઝન ક્રાઈમ યુનિટ્સે પટૌડી રોડના વઝીરપુર વિસ્તારમાં છટકું ગોઠવ્યું. જ્યાં ટીમને નંબર પ્લેટ વગરની ઈનોવા કાર પર શંકા ગઈ. ટીમે તેને રોકવાનો પ્રયાસ કરતા જ ઈનોવામાં બેઠેલા સશષા ગુનેગારોએ પોલીસ પાર્ટી પર ગોળીબાર શરૂ કરી દીધો. બંને તરફથી થયેલા ગોળીબારમાં ચાર ગુનેગારોને પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ ૫ લોકોની ધરપકડ કરવામાં આવી.
માહિતી અનુસાર, ૪ ગુનેગારોને પગમાં ગોળી વાગી છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, શૂટર ગૌતમ ઉર્ફે ગોગીને પીછો કર્યા પછી પકડી લેવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
